<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

સુરતમાં ભારે વરસાદ અને પૂરના લીધે અઠવાડિયામાં ૪૭ લોકોના મોત

૪૩ લોકોના મોત સુરત શહેરમાં થયા છે જ્‍યારે ચાર લોકોના મોત સુરતના ગ્રામીણ વિસ્‍તારમાં થયા છે

સુરત તા.૧૧: ગુજરાતના સુરતમાં ભારે વરસાદ અને પૂરના કારણે ભારે નુકસાન થયું છે. તેમજ કલેકટર કચેરીના જણાવ્‍યા અનુસાર છેલ્‍લા અઠવાડિયામાં વરસાદ અને પૂરને કારણે કુલ ૪૭ લોકોના મોત થયા છે. આમાંથી ૪૩ લોકોના મોત સુરત શહેરમાં થયા છે જ્‍યારે ચાર લોકોના મોત સુરતના ગ્રામીણ વિસ્‍તારમાં થયા છે.વહીવટીતંત્રના જણાવ્‍યા અનુસાર રાહત અને સફાઈ કામગીરી ઝડપથી ચાલી રહી છે.

સુરત શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે વિવિધ તાલુકાના વિસ્‍તારોમાં ખાડીપૂર, પાણી ભરવાના કારણે થયેલ માનવ મૃત્‍યુ તેમજ સ્‍થાવર જંગમ મિલકતને થયેલ નુકસાન સામે કેશડોલ્‍સ, ઘરવખરી, કપડાની સહાય આપવા માટે જિલ્‍લા કલેકટરના માર્ગદર્શન હેઠળ સર્વે અંગેની કામગીરી તાત્‍કાલિક હાથ ધરીને પુર્ણ કરી શકાય તે અધિકારીઓ-કર્મચારીઓ મળી કુલ ૨૨૭  જેટલા કર્મયોગીઓની ૪૧  ટીમો ગઠિત કરી આ ટીમોને તત્‍કાલ સર્વેની કામગીરીના હુકમ કરવામાં આવ્‍યા છે.

આ  ટીમના સભ્‍યોએ ફાળવેલા તાલુકાઓના મામલતદારોના સંપર્કમાં રહી કામગીરીની શરૂઆત કરી છે.  બપોર સુધીમાં કતારગામ, પુણા, મજુરા, અબ્રામા, ઉધના તાલુકા વિસ્‍તારમાં ૭૦૧ અસરગ્રસ્‍તોને રૂપિયા ૧૧ લાખની કેશ ડોલ્‍સ વિતરણ કરાયું હતું. જયારે ૪૮૪  અસરગ્રસ્‍તોને રૂપિયા ૨૪.૨૦ લાખની ઘરવખરી સહાયની ચુકવણી કરવામાં આવી છે. જેમ સર્વે પુર્ણ થઈ રહ્યો છે તેમ સહાયનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત  લિબાયત વિસ્‍તારના રતનજીનગર, મઝદા પાર્ક-૨ સહિતની સોસાયટીઓમાં જિલ્‍લા આયોજન અધિકારી શિતલબેન માંડવિયા સહિતના અધિકારી-કર્મચારીઓ દ્વારા સર્વે કરીને કેશડોલ્‍સ સહાયનું વિતરણ કરાયું હતું.

આ અંગે અધિકારીઓના જણાવ્‍યા મુજબ, સુરત શહેરમાં સિઝનનો ૫૦ ટકા વરસાદ માત્ર ત્રણ દિવસમાં પડ્‍યો હતો. તેમજ  ભારે વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પૂર જેવી સ્‍થિતિ સર્જાઈ હતી. જેના કારણે ઘણા વિસ્‍તારોમાં રસ્‍તાઓ ડૂબી ગયા હતા અને સામાન્‍ય જનજીવન ખોરવાઈ ગયું હતું

(10:26 AM IST)