તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
૧૯ વર્ષીય બિમાર પ્રેમિકાને હોસ્પિટલમાં રઝળતી મૂકી ૪૫ વર્ષીય પ્રેમી ફરાર
સુરતમાં ૧૯ વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત ૪૫ વર્ષીય પ્રેમી યુવતીને હોસ્પિટલમાં છોડી ફરાર પરિવારજનોએ ન્યાયની માંગ કરી CCTV ફૂટેજ તપાસનો મુખ્ય આધાર

સુરત તા.૨૮: માનવતાને શરમાવે તેવો પ્રેમપ્રકરણમાં ચોંકાવનારો કિસ્સો હાલ સુરત શહેરમાંથી સામે આવ્યો છે. જ્યાં રાજસ્થાનના એક આધેડ યુવક દ્વારા સુરત લાવવામાં આવેલી ૧૯ વર્ષીય યુવતીની તબિયત અચાનક લથડતા તેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જોકે, યુવતીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેનો ૪૫ વર્ષીય કથિત પ્રેમી તેને એકલી હાલતમાં મૂકી ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવતીના પરિવારજનોને હોસ્પિટલના ફોટા મોકલીને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દેવાયો હતો. ત્યારબાદ ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં યુવતીને લાવવાથી લઈને આરોપી જેવા વ્યક્તિના ત્યાંથી નીકળી જવા સુધીની સમગ્ર હિલચાલ CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ રાજસ્થાનના ગુડામાલાણી ગામમાં રહેતી ૧૯ વર્ષીય કુમકુમ પોતાના પરિવાર સાથે શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલી હતી. પરિવારના આક્ષેપ પ્રમાણે આશરે ૪૫ વર્ષનો દિલીપ નામનો વ્યક્તિ યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને પ્રેમસંબંધના નામે તેને પોતાના વિશ્વાસમાં લીધી હતી. પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે કે, દિલીપ કુમકુમને રાજસ્થાનથી ભગાવીને પ્રથમ અમદાવાદ અને ત્યારબાદ સુરત લઈ આવ્યો હતો. સુરતમાં એક પરિચિતના ઘરે બંને રોકાયા હોવાની માહિતી પણ સામે આવી છે. જોકે, સુરત આવ્યા બાદ યુવતીની તબિયત અચાનક બગડી જતા તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી.
ઘટનામાં સૌથી કરૂણ બાબત એ છે કે કુમકુમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ દિલીપ ત્યાં રોકાયો નહોતો. પરિવારના જણાવ્યા મુજબ તેણે યુવતીની ગંભીર તબિયત અંગે તેના પરિજનોને જાણ કરી હતી અને હોસ્પિટલના કેટલાક ફોટા પણ વોટ્સએપ મારફતે મોકલ્યા હતા. પરિવારને હોસ્પિટલના ફોટા મોકલ્યા બાદ તેણે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ હોસ્પિટલમાંથી નીકળી ગયો હોવાનો આક્ષેપ છે.
આ સમગ્ર હિલચાલ હોસ્પિટલના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું પરિવારજનોનું કહેવું છે. યુવતી હોસ્પિટલમાં એકલી પડી હોવાનું જાણવા મળતા રાજસ્થાનમાં રહેતા પરિવારજનોએ સુરતમાં પોતાના સમાજના લોકોને જાણ કરી હતી. જેથી સ્થાનિક સમાજના લોકો તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં યુવતીની તબિયત વધુ ગંભીર બની ગઈ હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
૧૯ વર્ષની દીકરીને પ્રેમસંબંધના નામે સુરત લાવવામાં આવી અને ત્યારબાદ બીમાર પડતા હોસ્પિટલમાં મૂકીને કથિત પ્રેમી ફરાર થઈ ગયો હોવાના આક્ષેપથી પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દીકરીના મોતના સમાચાર મળતા જ રાજસ્થાનથી પરિવારજનો અને સમાજના લોકો સુરત દોડી આવ્યા હતા. હોસ્પિટલ પર પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પરિવારજનો દ્વારા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
મૃતક યુવતીના સંબંધી દીયારામ કુમાવતે આક્ષેપ કર્યો છે કે દિલીપની ઉંમર આશરે ૪૫ વર્ષ છે અને તે અગાઉ પણ યુવતીઓ સાથે સંબંધો બાંધી તેમને પોતાની જાળમાં ફસાવતો હોવાની માહિતી મળી રહી છે. જોકે, આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકશે. પરિવારજનોનો વધુમાં આક્ષેપ છે કે યુવતીને પરિવારથી દૂર લઈ જવા માટે અલગ-અલગ બહાનાં કરવામાં આવ્યાં હતાં. ક્યારેક અકસ્માત અને ક્યારેક ડિલિવરી જેવા બહાનાં કરીને પરિવારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનામાં સ્મીમેર હોસ્પિટલના CCTV ફૂટેજ તપાસ માટે મહત્વની કડી બની શકે છે. યુવતીને હોસ્પિટલમાં કોણ લાવ્યું, કયા સમયે દાખલ કરવામાં આવી, તેની સાથે કોણ હતું અને હોસ્પિટલમાંથી કયા સમયે તથા કઈ રીતે વ્યક્તિ બહાર નીકળ્યોઆ તમામ બાબતો CCTVના આધારે સ્પષ્ટ થઈ શકે છે.
યુવતીના મોતની જાણ થતાં મામલો ગંભીર બન્યો છે. ઘટનાની તપાસ માટે રાજસ્થાન પોલીસ પણ સુરત આવી પહોંચી હોવાનું જાણવા મળે છે. યુવતી ખરેખર કયા સંજોગોમાં રાજસ્થાનથી સુરત આવી, તેની સાથે કોણ હતું, અમદાવાદ અને સુરતમાં તે ક્યાં રોકાઈ હતી, તેની તબિયત કઈ રીતે બગડી અને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ કથિત પ્રેમી શા માટે ફરાર થયોઆ તમામ સવાલોના જવાબ મેળવવા તપાસ કરવામાં આવી રહી છે. પરિવારજનો દ્વારા દિલીપ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ યુવતીને સુરત લાવવાથી લઈને તેના મોત સુધીની સમગ્ર ઘટનાની સત્યતા બહાર લાવી પરિવારને ન્યાય અપાવવાની માંગ ઉઠી છે
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
