News of Tuesday, 14th April 2026
અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાંથી 12.36 લાખની કિંમતનું 412 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત: બે આરોપીઓની ધરપકડ
આરોપીઓએ મુંબઈથી અમદાવાદ સુધી ફેલાયેલા આ નેટવર્કમાં આર્થિક તંગીને કારણે તેઓ ગુનાખોરીના માર્ગે વળ્યા હોવાનું કબૂલ્યું

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં નશાના કારોબારને જડબાતોડ જવાબ આપતા ઘી કાંટા વિસ્તારમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને લાખોની કિંમતના નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શહેરની યુવા પેઢીને નશાના રવાડે ચઢાવતા તત્વો સામે ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે, જેનાથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ઓપરેશન દરમિયાન કુલ 12.36 લાખની કિંમતનું 412 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ, માલારામ રબારી અને અશોક દરજીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ ડ્રગ્સનું વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધમાં હતા ત્યારે જ પોલીસના સકંજામાં આવી ગયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી ડ્રગ્સ ઉપરાંત અન્ય શંકાસ્પદ વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બંને શખ્સો અગાઉ મુંબઈમાં સાથે મળીને લેડીસ ટેલરનું કામ કરતા હતા. જોકે, વ્યવસાયમાં મોટું નુકસાન થવાને કારણે રાતોરાત અમીર બનવાની લાલચમાં તેઓ ડ્રગ્સના ગેરકાયદે વેપલામાં જોડાઈ ગયા હતા. મુંબઈથી અમદાવાદ સુધી ફેલાયેલા આ નેટવર્કમાં આર્થિક તંગીને કારણે તેઓ ગુનાખોરીના માર્ગે વળ્યા હોવાનું કબૂલ્યું છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર રાજસ્થાનનો વિકાસ બિશ્નોઈ છે. વિકાસ બિશ્નોઈ રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને આ આરોપીઓને પહોંચાડતો હતો. ત્યારબાદ માલારામ અને અશોક અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં ફરીને નાના ડ્રગ્સ પેડલરોને શોધી આ માલ વેચાણ માટે આપતા હતા. હાલમાં મુખ્ય સપ્લાયર વિકાસ બિશ્નોઈ પોલીસ પકડથી દૂર છે, જેને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ આરોપીઓ અગાઉ પણ કેટલી વાર અમદાવાદમાં ડ્રગ્સ લાવી ચૂક્યા છે અને શહેરમાં તેમના અન્ય કયા સંપર્કો છે, તે દિશામાં પીઆઈ આઈ.એન. ઘાસુરા અને તેમની ટીમ સઘન તપાસ કરી રહી છે. પોલીસના આ ઓપરેશનથી શહેરમાં ડ્રગ્સ સપ્લાય ચેઈનને મોટો ફટકો પડ્યો છે.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
