તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
સુરતના સચિન GIDC વિસ્તારમાં ઇકો કારની અડફેટે આવતા 4 વર્ષીય માસુમ બાળકનું કરુણ મોત
બાળક માતાના ખોળામાં હતો ત્યારે કારે ટક્કર મારી: અકસ્માત બાદ કારચાલક ફરાર:પરિવાર દ્વારા કડક કાર્યવાહીની માંગ:સમગ્ર પંથકમાં શોકનો માહોલ

સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક પૂરઝડપે આવી રહેલી બેકાબૂ ઇકો કારે 4 વર્ષીય માસૂમ બાળકને કચડી નાખતા તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતક બાળકનું નામ આયુષ વિનેશ ગરાસીયા હોવાનું જાણવા મળ્યું છે. આયુષ મૂળ રાજસ્થાનનો વતની હતો અને તેનો પરિવાર સુરતમાં મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત સમયે માસૂમ આયુષ તેની માતાના ખોળામાં હતો. તે જ સમયે પૂરઝડપે આવેલી એક ઇકો કારે જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે કાર સીધી બાળક પર ચઢી ગઈ હતી.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જીને કારચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો છે. આ ગંભીર બેદરકારીને લઈને પરિવારજનોએ કારચાલક સામે કડક કાર્યવાહીની માગ કરી છે. અકસ્માત બાદ બાળકને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બાળકના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારમાં ભારે શોક જોવા મળ્યો હતો. માતા-પિતાના હૃદયદ્રાવક આક્રંદથી ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.
સમાજ અગ્રણી હિતેશભાઈએ જણાવ્યું હતું કે, આ માસૂમ જીવના મોત માટે જવાબદાર વ્યક્તિ સામે કાયદાકીય રાહે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી અમારી માગ છે. હાલ સચિન પોલીસ આ મામલે ગુનો નોંધીને ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી રહી છે.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
