તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
અમદાવાદથી સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડ બનાવી વેચતા 4 ઝડપાયા
બ્રાન્ડેડ બોટરલ, સ્ટીકર પણ અસલી જેવું જઃ અંદર ભરેલો દારૂ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. શહેરના મધ્ય વિસ્તારમાં ચાલી રહેલું કૌભાંડ સામે આવ્યું

અમદાવાદઃ શહેરમાં પ્રોહિબિશન અને ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ નકલી વિદેશી દારૂ બનાવવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હલીમની ખડકી પાસે આવેલા મઢવાળાની પોળમાં એક મકાનમાં દરોડા દરમિયાન સસ્તી બ્રાન્ડના વિદેશી દારૂને મોંઘી બ્રાન્ડ તરીકે તૈયાર કરી બજારમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે 1 ઓગસ્ટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન ચાર શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વીક્કી ઉર્ફે મંગો ઉર્ફે બળેલો ચૌહાણ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. હવે પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સસ્તી બ્રાન્ડના ખુલ્લા વિદેશી દારૂમાં વિવિધ પ્રકારના ફ્લેવર ઉમેરી તેને જાણીતી મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરી દેતા હતા. ત્યારબાદ બોટલો પર બ્રાન્ડેડ બૂચ, નકલી સ્ટીકર અને પેકિંગ માટે હેર ડ્રાયરની મદદથી સીલિંગ કરવામાં આવતું હતું, જેથી તે અસલી બોટલ જેવી જ દેખાય. તૈયાર થયેલો દારૂ બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ગેરકાયદેસર પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી હોવાની આશંકા છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
PCBએ દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 227 સીલબંધ બોટલો કબજે કરી હતી, જેની અંદાજિત કિંમત લગભગ ₹1.14 લાખ હોવાનું જણાવાયું છે. ઉપરાંત બે કેરબામાંથી કુલ 22 લિટર ખુલ્લો વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો. પોલીસે 127 ખાલી બ્રાન્ડેડ બોટલો, 100 બૂચ, 118 નકલી સ્ટીકર, પાંચ ફ્લેવરની બોટલો, હેર ડ્રાયર, પાંચ મોબાઇલ ફોન તેમજ અંગ ઝડતીમાંથી મળેલા ₹11,160 રોકડા સહિત કુલ ₹1,56,410નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ સામગ્રીનો ઉપયોગ નકલી દારૂને અસલી બ્રાન્ડ તરીકે રજૂ કરવા માટે થતો હતો.
પોલીસે આ કેસમાં મંદિપ ભાવસાર (શાહપુર), કૈલાશ બોડાણા (માધુપુરા), દેવ પટેલ (શાહપુર) અને દેવાંગ જાની (શાહપુર)ની ધરપકડ કરી છે. તેમની સામે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસ હવે આ નકલી દારૂ ક્યાં સપ્લાય થતો હતો, તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે અને મુખ્ય આરોપી સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. આ કાર્યવાહીથી શહેરમાં ચાલતા ગેરકાયદેસર દારૂના વેપાર સામે મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
