<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

અમદાવાદ એરપોર્ટ પર કુવૈતથી આવેલ દંપતી પાસેથી રૂ.47 લાખનું 308.710 ગ્રામ સોનું ઝડપાયું

કપડાં, પર્સ અને બેગમાં સોનું છુપાવી લાવનાર દંપતી સામે AIU અને કસ્ટમ્સ વિભાગે કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની તસ્કરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કુવૈતથી કુવૈત એરવેઝની ફ્લાઇટ નંબર KU-347 મારફતે અમદાવાદ પહોંચેલા એક દંપતી પાસેથી એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) ના અધિકારીઓએ કસ્ટમ્સ ચેકિંગ દરમિયાન રૂ. 47 લાખની કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે.

એરપોર્ટ પર તૈનાત AIU ના અધિકારીઓએ શંકાસ્પદ પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે દંપતીને અટકાવીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. સઘન ચકાસણી દરમિયાન મહિલાએ પોતાની બેગ, પર્સ અને કપડાંની નીચે સોનું છુપાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે પુરુષ મુસાફરે પણ પોતાના કપડાં નીચે સોનાની ચેઈન છુપાવી રાખી હતી. દંપતી પાસેથી કુલ 308.710 ગ્રામ વજન ધરાવતું 24 કેરેટ શુદ્ધ સોનું મળી આવ્યું હતું. 

જપ્ત કરવામાં આવેલા 24 કેરેટ સોનાની બજાર કિંમત રૂ. 46.98 લાખ (આશરે ₹47 લાખ) આંકવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટના કસ્ટમ્સ અધિકારીઓએ કસ્ટમ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગેરકાયદેસર રીતે લવાયેલું સોનું જપ્ત કરી લીધું છે. આ સોનાની તસ્કરી પાછળ કોઈ મોટા નેટવર્ક કે રેકેટની સંડોવણી છે કે કેમ તે દિશામાં કસ્ટમ્સ વિભાગે દંપતીની પૂછપરછ હાથ ધરીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

(9:21 PM IST)