તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે ૩૦ દિવસની વિના મૂલ્યે નિવાસી તાલીમનું આયોજન
મદદનીશ નિયામક રોજગાર કચેરી દ્વારા સ્વામી વિવેકાનંદ પૂર્વ-સંરક્ષણ યોજના હેઠળ આયોજન : રહેવા-જમવાની મફત સુવિધા સાથે તાલીમ પૂર્ણ કરનારને સરકારના નિયમ મુજબ સ્ટાઈપેન્ડ પણ અપાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ભારતીય સેના અને સુરક્ષા દળોમાં જોડાઈને દેશસેવા કરવા ઈચ્છતા ગુજરાતના યુવાનો માટે એક મહત્વપૂર્ણ તક સામે આવી છે. મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ દ્વારા સ્વામી વિવેકાનંદ પૂર્વ-સંરક્ષણ નિવાસી તાલીમ વર્ગની યોજના અન્વયે આર્મીમાં જોડાવા ઈચ્છુક પુરુષ ઉમેદવારો માટે ખાસ તાલીમવર્ગનું આયોજન કરવામાં આવનાર છે.
આ યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતના યુવાનોની સેનામાં વધુમાં વધુ ભરતી થાય તે છે. આ માટે આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરીદળો તેમજ પોલીસ ફોર્સ વગેરેની જગ્યાઓ માટે ૩૦ દિવસની ઘનિષ્ઠ નિવાસી તાલીમ આપવામાં આવશે. આ તાલીમ દરમિયાન ઉમેદવારોને શારીરિક-માનસિક ક્ષમતા વધારવા તથા લેખિત પરીક્ષા માટેનું સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તાલીમાર્થીઓને રહેવા તથા જમવાની સુવિધા સંપૂર્ણપણે 'વિના મૂલ્યે' પૂરી પાડવામાં આવશે. એટલું જ નહીં, તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ઉમેદવારોને સરકારના નિયમાનુસાર સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે.
લાયકાત અને શારીરિક માપદંડ:
આ તાલીમમાં જોડાવા માટે ઉમેદવારની શારીરિક યોગ્યતામાં ઉંચાઈ ૧૬૮ સે.મી., વજન ૫૦ કિલોગ્રામ અને છાતી ૭૭ થી ૮૨ સે.મી. હોવી આવશ્યક છે. શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવાર નિયત કરેલી જરૂરી લાયકાત મુજબ ધોરણ ૧૦ પાસ કે ધોરણ ૧૨ પાસ હોવો જોઈએ અને તેની વયમર્યાદા ૧૭.૫ થી ૨૨ વર્ષ વચ્ચે હોવી જોઈએ.
સંપર્કની વિગત:
ઉપરોક્ત લાયકાત ધરાવતાં અમદાવાદ જિલ્લાના ઈચ્છુક ઉમેદવારોએ કચેરીના કામકાજના દિવસોમાં રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. ઉમેદવારોએ મદદનીશ નિયામક રોજગારની કચેરી, બહુમાળી ભવન, બ્લોક-A, પ્રથમ માળ, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ ખાતે જઈને વધુ માહિતી અને નોંધણી માટે સંપર્ક કરી શકે છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
