તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Thursday, 28th May 2026
સિવિલ હોસ્પિટલમાં ગુપ્ત અંગદાનથી ૩ દર્દીઓને મળ્યું નવું જીવન
અમદાવાદ સિવિલ હોસ્પિટલનો ઐતિહાસિક રેકોર્ડઃઉત્તર ગુજરાતની ૩૧ વર્ષીય બ્રેઇનડેડ મહિલાના પરિવારે ગુપ્ત અંગદાન કરીને એક લીવર અને બે કિડનીનું દાન કર્યું છે

અમદાવાદ :અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉત્તર ગુજરાતની ૩૧ વર્ષીય બ્રેઇનડેડ મહિલાના પરિવારે ગુપ્ત અંગદાન કરીને એક લીવર અને બે કિડનીનું દાન કર્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલનો કુલ અંગ-પેશી દાનનો આંકડો ૧૦૩૫ને પાર પહોંચ્યો છે.
*કહેવાય છે કે 'ગુપ્તદાન' એ સૌથી મોટું દાન છે, અને જ્યારે આ દાન કોઈની જિંદગી બચાવવા માટે થાય ત્યારે તે ઈશ્વરીય કાર્ય બની જાય છે.*
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઉત્તર ગુજરાતના એક પરિવારે પોતાની વ્હાલસોયી દીકરીના મૃત્યુના અત્યંત દુઃખદ સમયે પણ 'ગુપ્તદાન' સ્વરૃપે અંગદાન કરવાનો સાહસિક અને માનવતાવાદી નિર્ણય લીધો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ માહિતી આપતા જણાવ્યું કે, આ ઉમદા નિર્ણયના પગલે હોસ્પિટલમાં કુલ અંગદાનનો આંકડો ૨૪૧ પર પહોંચી ગયો છે, જ્યારે કુલ અંગ-પેશી દાનનો ઐતિહાસિક આંકડો ૧૦૩૫ને પાર થઈ ગયો છે.
ઉત્તર ગુજરાતના રહેવાસી એક ૩૧ વર્ષીય મહિલા સિવિલ હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ હતાં. તબીબોના અથાગ પ્રયત્નો છતાં ગત તા. ૨૭ મે ૨૦૨૬ના રોજ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કરવામાં આવ્યા હતાં. યુવાન વયે સ્વજન ગુમાવવાનું આઘાતજનક દુઃખ હોવા છતાં, અમદાવાદ સિવિલ હોસ્પિટલની કાઉન્સિલિંગ ટીમના ડૉ. જીનેન પંડ્યા અને ડૉ. ભાવેશ પ્રજાપતિની સમજાવટથી પરિવારે મોટું દિલ રાખ્યું હતું અને પોતાની ઓળખ છૂપી રાખવાની શરતે, ગુપ્તદાન સ્વરૃપે અંગદાનની મંજૂરી આપી હતી.
આ અંગદાન દ્વારા બ્રેઈનડેડ મહિલાના શરીરમાંથી એક લીવર અને બે કિડની મળી કુલ ૩ મહત્વપૂર્ણ અંગો મેળવવામાં આવ્યા છે. આ ત્રણેય અંગોને અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત કિડની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે, જ્યાં લાંબા સમયથી પ્રત્યારોપણની રાહ જોતા ત્રણ જરૃરિયાતમંદ દર્દીઓમાં તેનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
ડૉ. રાકેશ જોષીના જણાવ્યા અનુસાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે પશ્ચિમ ભારતનું અંગદાનનું એક મોટું કેન્દ્ર બની ચૂક્યું છે. અત્યાર સુધીમાં કુલ ૨૪૧ અંગદાતાઓ થકી ૭૯૭ અંગો તેમજ કુલ ૨૩૮ પેશીઓ મેળવવામાં સફળતા મળી છે. જેમાં ૪૪૫ કિડની, ૨૧૫ લીવર, ૭૬ હૃદય, ૩૪ ફેફસાં, ૧૯ સ્વાદુપિંડ, ૦૬ હાથ, ૦૨ નાનાં આંતરડાં, ૧૯૪ ચક્ષુ તેમજ ૪૪ ચામડીનો સમાવેશ થાય છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટની ભાવુક અપીલ કરવામાં આવી છે કે, અંગદાન એ મહાદાન છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમ અને અંગદાતાઓના પરિવારોના સહયોગથી આજે આપણે ૧,૦૩૫ અંગો-પેશીઓ મેળવીને સેંકડો પીડિત દર્દીઓનાં જીવનમાં ઉજાસ પાથરી શક્યા છીએ. આ ઉમદા કાર્ય બદલ અમે તમામ દાતા પરિવારોના સદાય ઋણી રહીશું.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
