તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
વડોદરામાં સોની પરિવારના ૩ લોકોનો સામુહિક આપઘાત
ઝેપ્સ હેલ્થ કેરના આરતીબેન સોની, તેમનો પુત્ર નીલકંઠ સોની અને દીકરી જેની સોનીએ એક સાથે ગળાફાંસો ખાધોઃ કારણ જાણવા પોલીસની તપાસ

વડોદરા તા.૨૯: શહેરના માંડવી વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. અહીં દલા પટેલની ગોળમાં રહેતા સોની પરિવારમાં ૫૦ વર્ષીય માતાએ પોતાના દિકરા અને દીકરી સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મળતકમાં માતા આરતીબેન સોની, તેમનો પુત્ર નીલકંઠ સોની અને દીકરી જેની સોનીએ એક સાથે આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર આપઘાત કરનાર આરતીબેન સોનીના પતિનું એક વર્ષ પહેલા હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. હવે પરિવારમાં ત્રણ સભ્યોએ આપઘાત કરી લીધો છે. હજુ સુધી કયા કારણે આપઘાત કર્યો તે સામે આવ્યું નથી.
આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને તેમના સંબંધીઓ ઘટનાસ્થળે હાજર થયા હતા. સ્થાનિક કોર્પોરેટર પણ ત્યાં પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસની તપાસ બાદ આપઘાતનું સાચુ કારણ સામે આવશે.
વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળ (નરસિંહજીની પોળ)માં રહેતા સોની પરિવારના ૫૦ વર્ષીય માતાએ પોતાના પુત્ર અને પુત્રી સાથે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને સામૂહિક આત્મહત્યા કરી હતી. ગતરોજ બપોરના સમયે ૫૦ વર્ષીય માતા આરતીબેન સોની, તેમનો મોટો પુત્ર નીલકંઠ સોની અને નાની પુત્રી જેની સોનીએ એકસાથે જીવન ટૂંકાવ્યું હતું. કામવાળા બેને ખખડાવવા છતાં ઘર ન ખોલતા તેમણે મળતક આરતીબેનના પાર્ટનરને જાણ કરી હતી.
મળતક સોની પરિવાર સાથે વ્યાપારી ભાગીદારી ધરાવતા કેતન શાહે જણાવ્યું હતું કે, તેઓ વ્યવસાયે સોના-ચાંદીના વેપારી છે અને છેલ્લા ૧૨-૧૩ વર્ષથી આ પરિવાર સાથે પારિવારિક સંબંધ ધરાવતા હતા. તેમણે દોઢ-બે વર્ષ પહેલાં સ્વ. ચેતનભાઈ સાથે મળીને ઓલ્ડ પાદરા રોડ ખાતે ‘‘ઝેપ્સ હેલ્થ કેર'' નામની આયુર્વેદિક હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ ફર્મ તરીકે શરૂ કરી હતી.
હોસ્પિટલનું કામકાજ સારું ચાલતું હતું.ચેતનભાઈના નિધન બાદ પુત્ર નીલકંઠ, માતા આરતીબેન અને પુત્રી જેની સોની હોસ્પિટલનું સમગ્ર સંચાલન સંભાળતાં હતાં. હોસ્પિટલમાં તમામ રોકાણ કેતનભાઈનું હતું, જ્યારે હિસાબ-કિતાબ અને સંચાલન આ ત્રણેય સભ્યો કરતા હતા અને તેમની વચ્ચે કોઈ નાણાકીય લેવડદેવડ કે આર્થિક વિવાદ કે મનદુઃખ નહોતું.
તેમણે ઉમેર્યું કે, આ ઘટનાની જાણ થતા જ તેમણે તાત્કાલિક પરિવારના સભ્યો અને પોલીસને જાણ કરી હતી. ત્રણ-ચાર દિવસ પહેલાં જ તેમની હોસ્પિટલમાં નવા ૧૦ વિઝિટિંગ ડોક્ટર્સ રાખવા અંગે સામાન્ય વાતચીત થઈ હતી અને હોસ્પિટલનું કામકાજ પણ સારું ચાલતું હતું.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
