<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

કેન્દ્ર સરકારના અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદના ૬ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે ૨૭૧૯.૮૦ કરોડ રૂપિયા મંજૂર : શહેરી વિકાસમાં થશે આમૂલ પરિવર્તન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ કરાયેલા ફંડ અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સિટિઝન સેન્ટ્રિક અને ટેક્નોલોજી બેઈઝ્ડ અર્બન ડેવલપમેન્ટ વધુ મજબૂત બનશે : ગટર નેટવર્કનું પુર્નવસન થવાની સાથે ઈન્ટેલિજન્ટ ટ્રાન્ઝીટ સિસ્ટમનો નાગરિકોને મળશે મોટો લાભ

અમદાવાદ: દેશના શહેરોના માર્કેટ આધારિત ધિરાણ અને સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા અર્બન ચેલેન્જ ફંડ શરૂ કરવામાં આવ્યું છે. ૫ વર્ષ દરમિયાન કુલ ૧ લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય પૂરી પાડતા આ ફંડમાંથી અમદાવાદ મહાનગરમાં ૬ જેટલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે મંત્રાલય દ્વારા કુલ ૨૭૧૯.૮૦ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સિટિઝન સેન્ટ્રિક, ટેક્નોલોજી બેઈઝ્ડ અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ માટેનું વિઝન આ મંજૂરીથી વધુ મજબૂત બનશે.

 

વિવિધ પ્રોજેક્ટ્સ માટે ફાળવવામાં આવેલી રકમની વિગત:

કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં અમદાવાદના આધુનિકીકરણ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેની વિગતો નીચે મુજબ છે:

 * પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુર્નવસન માટે ૮૫૨.૯૩ કરોડ રૂપિયા.

 * પૂર્વ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુર્નવસન માટે ૫૫૧.૩૫ કરોડ રૂપિયા.

 * અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જૂના ગટર નેટવર્કના પુર્નવસન માટે ૨૯૦.૨૪ કરોડ રૂપિયા.

 * ઇન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માટે ૨૧૫ કરોડ રૂપિયા.

 * ૧૨૫ TPDની ક્ષમતા ધરાવતી ઇન્ટીગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસીલીટી માટે ૪૭૯.logger૫ કરોડ રૂપિયા.

 * ઇન્ટીગ્રેટેડ ટ્રાન્ઝીટ મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) અને ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમ (AFCS) માટે ૩૩૧.૦૩ કરોડ રૂપિયા.

 

અમદાવાદ શહેર અને નાગરિકોને થનારા મોટા ફાયદા:

આ પ્રોજેક્ટ્સ કાર્યરત થવાથી અમદાવાદ શહેરના ગટર નેટવર્કનું રીહેબીલીટેશન થશે, જેના કારણે ગટર ઓવરફ્લો તેમજ લીકેજ જેવી ગંભીર સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. સમગ્ર ગટર અને સ્ટોર્મ વોટર સિસ્ટમનું રિયલ-ટાઇમ ડિજિટલ મોનિટરિંગ તેમજ સ્માર્ટ સંચાલન શક્ય બનશે. આ ઉપરાંત, ગટરના સ્લજમાંથી બાયોગેસ અને ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવામાં આવશે, જેનાથી પર્યાવરણને અનુકૂળ સર્ક્યુલર ઈકોનોમીને મોટું પ્રોત્સાહન મળશે.

 

બીજી તરફ, ITMS અને AFCS સિસ્ટમના અમલીકરણથી AMTS, BRTS અને મેટ્રો રેલ માટે કોમન મોબિલિટી કાર્ડ તેમજ કોમન જર્ની એપ્લિકેશન કાર્યરત થશે. જેનાથી નાગરિકોને સરળ મુસાફરીની સેવા, જાહેર પરિવહનની સચોટ અને રિયલ-ટાઈમ માહિતી મળશે. આ સિસ્ટમમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને રૂટનું કાર્યક્ષમ આયોજન કરવામાં આવશે તથા આધુનિક ઇન-બસ સર્વેલન્સ દ્વારા એન્હાન્સડ ઇન્સીડેંટ મેનેજમેન્ટ સાથે મુસાફરોને સુરક્ષિત અને સલામત સવારીની સુવિધા પ્રાપ્ત થશે.

 

ફંડિંગ પેટર્ન અને ગુજરાતને મળેલી સહાય:

અર્બન ચેલેન્જ ફંડની યોજના અન્વયે ક્રિએટિવ રિડેવલપમેન્ટ ઓફ સીટીઝ, સીટીઝ એઝ ગ્રોથ હબ અને વોટર એન્ડ સેનિટેશન એમ ત્રણ વર્ટિકલ્સમાં પ્રોજેક્ટના કામો હાથ ધરી શકાય છે. ગુજરાતને આ ફંડ અંતર્ગત કુલ ૬૪૭૫ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનાથી રાજ્યના શહેરોમાં કુલ ૨૫ હજાર ૯૦૦ કરોડ રૂપિયાના વિકાસકામો હાથ ધરી શકાશે.

 

આ ફંડની શરતો મુજબ, પ્રોજેક્ટની કુલ રકમના ૨૫ ટકા કેન્દ્ર સરકારની સહાય, ૨૫ ટકા રાજ્ય સરકારની સહાય અને બાકીના ૫૦ ટકા મ્યુનિસિપલ બોન્ડ, લોન અથવા PPP મોડલ દ્વારા ઊભા કરવાના રહે છે. તે અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાને આ ૬ પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર સરકાર તરફથી ૬૭૯.૯૫ કરોડ રૂપિયા અને રાજ્ય સરકાર તરફથી ૬૭૯.૯૫ કરોડ રૂપિયાની સહાય મળશે, જ્યારે બાકીની ખૂટતી રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોન મેળવીને પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ દ્વારા અમદાવાદને વૈશ્વિક ધોરણોનું સ્માર્ટ, સ્વચ્છ અને રિઝિલિયન્ટ શહેર બનાવવાની દિશામાં એક મોટી પ્રગતિ થશે.

(2:52 PM IST)