<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

ખાખીના સપના સાથે ૨.૬૩ લાખ યુવાનો મેદાને: ગુજરાતમાં LRD ભરતીની લેખિત પરીક્ષાનો પ્રારંભ

રાજ્યભરના ૮૭૮ કેન્દ્રો પર સીસીટીવી અને બાયોમેટ્રિક વેરિફિકેશન વચ્ચે કડક સુરક્ષા વ્યવસ્થા: ઉમેદવારો માટે એસટીની વિશેષ બસો દોડાવાઈ

ગાંધીનગર, : ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ૨.૬૩ લાખથી વધુ ઉમેદવારો માટે આજે કારકિર્દીનો મોટો દિવસ છે, જ્યાં ગૃહ વિભાગ અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા ૧૨,૯૩૩ લોકરક્ષક દળ (LRD) ની જગ્યાઓ માટે રાજ્યભરના ૮૭૮ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ડિજિટલ મોનિટરિંગ વચ્ચે લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ગઈ છે.

પરીક્ષામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે 2.63 લાખ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર ઉમેદવારોની ભારે અવરજવર જોવા મળી રહી છે. ભરતી બોર્ડે ઉમેદવારોને પરીક્ષા શરૂ થવાના સમય કરતાં વહેલા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપી છે. ટ્રાફિક, વરસાદ અથવા અન્ય અણધારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમયસર હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.

પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા રાજ્યભરના 878 પરીક્ષા કેન્દ્રોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ પરીક્ષા હોલ અને વર્ગખંડોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે અને ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમમાંથી સતત લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઉમેદવારોને મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઇસ, કેલ્ક્યુલેટર સહિતની તમામ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રના પ્રવેશદ્વાર પર મેટલ ડિટેક્ટર દ્વારા તપાસ તેમજ મહિલા અને પુરુષ પોલીસ કર્મચારીઓ દ્વારા સઘન ચેકિંગ બાદ જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પરીક્ષા સંબંધિત અફવાઓ, ખોટા મેસેજ અને ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવવાના પ્રયાસોને રોકવા માટે સાયબર ક્રાઇમ વિભાગ પણ સક્રિય બન્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. ભાવનગરમાં આજે લોકરક્ષક દળ (LRD) ભરતી પરીક્ષાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. સવારે 7:30 વાગ્યાથી પરીક્ષાર્થીઓનું સઘન ચેકિંગ શરૂ કરી તેમને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તમામ 35 પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરા તેમજ સતત વીડિયોગ્રાફી દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉમેદવારોને બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જ પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. આ પરીક્ષામાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના કુલ 10,650 ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. પરીક્ષા સંબંધિત પ્રશ્નપત્રો અને અન્ય સંવેદનશીલ સામગ્રીની સુરક્ષા માટે માજીરાજ હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ભૂતકાળમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બનેલી પેપર લીકની ઘટનાઓમાંથી પાઠ ભણીને આ વખતે બોર્ડ દ્વારા અભૂતપૂર્વ તકેદારી રાખવામાં આવી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે તમામ કેન્દ્રો પરથી ઓઆરએમ (OMR) શીટ્સને ચુસ્ત સુરક્ષા વચ્ચે ગાંધીનગર કંટ્રોલ રૂમ ખાતે મોકલવામાં આવશે, જ્યાં આગામી દિવસોમાં ડિજિટલ મૂલ્યાંકન અને પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.

(10:45 AM IST)