<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

૨,૩૦૦ કરોડના ખર્ચે કંડલામાં TPD ઈ-મિથેનોલ પ્‍લાન્‍ટનો કાલે શિલાન્‍યાસ

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, કેન્‍દ્રીયમંત્રી સર્વાનંદ સોનોવાલ, આસામના મુખ્‍યમંત્રી હિમંત બિસ્‍વા શર્મા, સાંસદ વિનોદ ચાવડા, પોર્ટ ચેરમેન સુશીલકુમાર સિંઘની ઉપસ્‍થિતિ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૫: દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA), કંડલા અને આસામ પેટ્રો-કેમિકલ્‍સ લિમિટેડ (APCL)ના સંયુક્‍ત ઉપક્રમે આશરે રૂ. ૨,૩૦૦ કરોડના રોકાણથી વિકસાવવામાં આવનાર ૧૫૦ TPD ઈ-મિથેનોલ પ્‍લાન્‍ટના ભૂમિપૂજન તથા ફાઉન્‍ડેશન સ્‍ટોન લેઇંગ સેરેમનીનું આયોજન આવતીકાલે  DPA એક્‍ઝિબિશન ગ્રાઉન્‍ડ, ગાંધીધામ ખાતે કરવામાં આવશે.

આ મહત્‍વપૂર્ણ પ્રસંગે ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, કેન્‍દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી  સર્વાનંદ સોનોવાલ તથા આસામના મુખ્‍યમંત્રી ડો. હિમંત બિસ્‍વા શર્મા દ્વારા પ્રોજેક્‍ટનો શિલાન્‍યાસ કરવામાં આવશે. આ સમારોહમાં કચ્‍છ-મોરબીના સાંસદ  વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્‍ય માલતીબેન મહેશ્વરી, DPAના અધ્‍યક્ષ  સુશીલ કુમાર સિંઘ IRSME તથા આસામ પેટ્રો-કેમિકલ્‍સ લિમિટેડના અધ્‍યક્ષ  બિકુલ ડેકા સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

દીનદયાળ પોર્ટ ખાતે વિકસાવવામાં આવનારો આ પ્‍લાન્‍ટ ઈ-મિથેનોલ જેવા સ્‍વચ્‍છ ઈંધણના ઉત્‍પાદન અને ઉપયોગને પ્રોત્‍સાહન આપશે તથા દરિયાઈ પરિવહન ક્ષેત્રમાં ગ્રીન એનર્જીના ઉપયોગને વેગ આપશે. પ્રોજેક્‍ટ ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્‍ઝિશન, ટકાઉ બંદર વિકાસ અને ઊર્જા આત્‍મનિર્ભરતાના લક્ષ્યોને આગળ ધપાવશે. આ પ્રોજેક્‍ટ થકી ૩,૫૦૦થી વધુ પ્રત્‍યક્ષ અને પરોક્ષ રોજગારની તકો ઊભી થવાની અપેક્ષા છે. તેનાથી યુવાનો, કુશળ કામદારો, એન્‍જિનિયરો, ટ્રાન્‍સપોર્ટર્સ, સપ્‍લાયર્સ તથા અન્‍ય સંકળાયેલા ક્ષેત્રોને લાભ મળવાની સાથે કચ્‍છના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને પણ વેગ મળશે. DPA અને APCL વચ્‍ચેનો આ સહયોગ ગુજરાત અને આસામની ઔદ્યોગિક ક્ષમતાઓને જોડીને દેશમાં ગ્રીન ફયુઅલ ઇકોસિસ્‍ટમને મજબૂત બનાવવાની દિશામાં મહત્‍વપૂર્ણ પહેલ સાબિત થશે

(10:44 AM IST)