તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
૨૦૨૭માં ગુજરાતની જનતા ભાજપના સત્તાના અહંકારને ચૂર-ચૂર કરીને નવો ઇતિહાસ રચશે : અમિત ચાવડા
મોરબી જિલ્લાના ભાજપના વરિષ્ઠ આગેવાનો, સહકારી અને સામાજિક હોદ્દેદારો સહિત ૫૦૦થી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય મથક રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ આગેવાનો, સહકારી અને સામાજિક હોદ્દેદારો તેમજ ૫૦૦થી વધારે કાર્યકર્તાઓ વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ભાજપમાંથી આવેલા વરિષ્ઠ આગેવાનો નથુભાઈ કડીવાર (પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ટંકારા, પૂર્વ તાલુકા પ્રમુખ ભાજપ ટંકારા, પૂર્વ ચેરમેન જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વાઈસ ચેરમેન મયુર જીલ્લા દૂધ સંઘ, ડીરેક્ટર નસીલપર સહકારી મંડળી), લાલજીભાઈ દેત્રોજા (પૂર્વ ઉપપ્રમુખ ટંકારા તાલુકા ભાજપ, પૂર્વ સદસ્ય તાલુકા પંચાયત), ઉમેશભાઈ ગોહિલ, (કોષાધ્યક્ષ, ટંકારા ભાજપ), રાજુભાઈ કોટડીયા (પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય, ટંકારા) અને તેમના સેંકડો સાથીઓને કોંગ્રેસનો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર આપ્યો હતો. નવા જોડાયેલા સાથીઓને આવકારતા અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ તમામ સાથીઓ કોઈ હોદ્દા, સત્તા કે પદની લાલચ માટે નહીં પરંતુ પ્રજા પર થઈ રહેલા અન્યાય, અત્યાચાર અને ભેદભાવ સામે લડવા માટે વિપક્ષ તરીકે કોંગ્રેસમાં આવ્યા છે. આજે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પર પારાવાર અત્યાચાર થઈ રહ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્ન સમા સહકારી માળખાના પતન અંગે અમિતભાઇ ચાવડાએ ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે તેઓએ કોંગ્રેસ પક્ષમાં જોડાનાર તમામ કાર્યકરોને ખાતરી આપી હતી કે કોંગ્રેસમાં દરેકનું માન-સન્માન જળવાશે અને સંગઠનમાં યોગ્ય સ્તરે કામ કરવાની પૂરી તક અપાશે. તેમણે જનતાને આહવાન આપતા જણાવ્યું હતું કે, આ તાનાશાહી અને ભ્રષ્ટાચાર સામે આપણે સૌ સાથે મળીને લડીશું અને આદરણીય રાહુલ ગાંધીજીના સંકલ્પ મુજબ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં જનતાના આક્રોશને વાચા આપીને ગુજરાતમાં ૧૦૦ ટકા સત્તા પરિવર્તન લાવીને રહીશું. જનતા ભાજપના અહંકારને ચુર ચુર કરી નવો ઇતિહાસ રચશે. રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ઉપરોક્ત કાર્યક્રમમાં વાંકાનેરના પૂર્વ ધારાસભ્યશ્રી જાવેદ પીરજાદા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, મહામંત્રી હિમાંશુ પટેલ, મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી, મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, મોરબી શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, વરિષ્ઠ આગેવાનો રાજુભાઈ આહીર, રમેશભાઈ આહીર, સંજયભાઈ લાખાણી, આનંદ રાજા, કળષ્ણદત્ત રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
