તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
વડોદરામાં પૂરથી બચાવવા રૂ.40 લાખના ખર્ચે ખરીદેલા 200 તરાપા દોઢ વર્ષમાં જ ચોમાસા પહેલાં જ સડી ગયા
વિપક્ષ સહિત વિવિધ સામાજિક સંગઠનોએ સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી:ખરીદી પ્રક્રિયા, જાળવણી અને સંગ્રહ વ્યવસ્થાની પણ નિષ્પક્ષ તપાસ કરવાની માંગ

વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા પૂર જેવી આપત્તિની સ્થિતિમાં લોકોને બચાવવા માટે લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલા તરાપા હવે પોતે જ બચાવની સ્થિતિમાં રહ્યા નથી. વર્ષ 2024ના પૂરને પગલે ખરીદાયેલા 200 તરાપા દોઢ વર્ષમાં જ સડી જતા લાખો રૂપિયાના સરકારી ખર્ચ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
વર્ષ 2024માં વડોદરામાં આવેલા વિનાશક પૂરના અનુભવ બાદ મહાનગરપાલિકાએ તાત્કાલિક બચાવ કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે અંદાજે 40 લાખ રૂપિયાના ખર્ચે 200 તરાપા ખરીદ્યા હતા. આ તરાપાઓ શહેરના વિવિધ વહીવટી વોર્ડમાં રાખવામાં આવ્યા હતા જેથી વરસાદી આપત્તિ કે પૂર જેવી સ્થિતિ સર્જાય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ખરીદી બાદ આ તરાપાઓનો એકપણ વખત ઉપયોગ થયો નથી. તેમ છતાં માત્ર દોઢ વર્ષના સમયગાળામાં જ મોટાભાગના તરાપા સડી ગયા હોવાનું સામે આવ્યું છે.. અને ઘણા તરાપા હવે ઉપયોગલાયક સ્થિતિમાં નથી. કેટલાક તરાપાના ભાગો ખરાબ થઈ ગયા છે તો કેટલાક સંપૂર્ણપણે નકામા બની ગયા છે.
વડોદરામાં આ સ્થિતિ વચ્ચે ચોમાસું લગભગ શરૂ થઈ ચૂક્યું છે અને જો શહેરમાં ભારે વરસાદ પડે અથવા પૂર જેવી સ્થિતિ સર્જાય તો તરાપાઓનાં અભાવે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થવાની ભીતિ છે. વિપક્ષ સહિત વિવિધ સામાજિક સંગઠનોએ સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ ખરીદી પ્રક્રિયા, જાળવણી અને સંગ્રહ વ્યવસ્થાની પણ નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
એક તરફ નાગરિકોની સુરક્ષા માટે ખરીદાયેલા સાધનો જ સડી રહ્યા છે, તો બીજી તરફ નવાઇની વાત એ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ધુરા સંભાળનાર નવાં મહિલા મેયરને આ અંગે કાંઈ ખબર જ નથી. પૂર જેવી આપત્તિ સામે લડવા માટે ખરીદાયેલા તરાપા ઉપયોગમાં આવે તે પહેલાં જ સડી જતા હવે મહાનગર પાલિકાની કાર્યપદ્ધતિ અને જાળવણી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ચોમાસાની શરૂઆત સાથે જ જો શહેરમાં ફરી પૂર જેવી સ્થિતિ સર્જાય તો બચાવ કામગીરી માટે જરૂરી સાધનોની અછત નાગરિકોની મુશ્કેલી વધારી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે જવાબદારો સામે કોઈ કાર્યવાહી થાય છે કે પછી લાખો રૂપિયાનો ખર્ચ માત્ર કાગળો પૂરતો જ સીમિત રહી જાય છે.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
