<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

સુરતના ડીંડોલીમાં રાજમહલ મોલમાં ૨૦ વર્ષીય યુવકની હત્યા

ડીંડોલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરવામાં આવી

સુરત : સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા રાજમહલ મોલમાં શનિવારે સવારે ૨૦ વર્ષીય યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અવાવરું બની ગયેલા મોલના પ્રથમ માળેથી મૃતદેહ મળી આવતા ડીંડોલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસ કંટ્રોલ રૂમને શનિવારે સવારે આશરે પોણા આઠ વાગ્યે માહિતી મળી હતી કે રાજમહલ મોલના પ્રથમ માળે એક યુવક બેભાન હાલતમાં પડ્યો છે. માહિતી મળતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. તપાસ દરમિયાન યુવકનું મોત નીપજ્યું હોવાનું તેમજ શરીર પર ગંભીર ઇજાના નિશાન જોવા મળતાં હત્યાની આશંકા મજબૂત બની હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કરી ફોરેન્સિક ટીમને પણ સ્થળ પર બોલાવી હતી. સ્થળ પરથી વિવિધ પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં મૃતક પાસે કોઈ ઓળખપત્ર ન મળતાં ઓળખ કરવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ બાદમાં સ્થાનિક લોકોની પૂછપરછ અને અન્ય માહિતીના આધારે મૃતકની ઓળખ રાજ અજય દુબે (ઉંમર ૨૦) તરીકે થઈ હતી. તે ડીંડોલીના રઘુકુલ નગર, સી.આર. પાટીલ રોડ વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો.

તપાસમાં જાણવા મળ્યું છે કે રાજ દુબે ખાનગી કંપનીમાં લોન રિકવરી એજન્ટ તરીકે ફરજ બજાવતો હતો. લોન પર ખરીદાયેલા દ્વિચક્રી વાહનોના બાકી હપ્તાની વસૂલાત દરમિયાન તેનો અનેક લોકો સાથે સંપર્ક રહેતો હોવાથી પોલીસે તેના વ્યવસાયિક તેમજ અંગત સંબંધોની પણ તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ રાજમહલ મોલનો પ્રથમ માળ લાંબા સમયથી સૂમસામ રહે છે અને મોટાભાગની દુકાનો બંધ હોવાથી ત્યાં લોકોની અવરજવર ખૂબ ઓછી રહે છે. પ્રાથમિક અનુમાન મુજબ આરોપીઓએ આ પરિસ્થિતિનો લાભ લઈ યુવકને ત્યાં બોલાવ્યો હોય અથવા તેના પર ઓચિંતો હુમલો કર્યો હોય તેવી શક્યતા છે. જોકે હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

પોલીસે મોલ તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. મૃતકનો મોબાઇલ ફોન, કોલ ડિટેઇલ રેકોર્ડ, સોશિયલ મીડિયા એક્ટિવિટી અને છેલ્લા કેટલાક દિવસોની હિલચાલની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ અને સમય અંગે વધુ સ્પષ્ટતા થશે. હાલ લોન રિકવરી દરમિયાન થયેલો વિવાદ, અંગત અદાવત, નાણાકીય લેવડદેવડ સહિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અલગ-અલગ પોલીસ ટીમો તપાસમાં જોડાઈ છે.

(12:05 PM IST)