તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
બોટની ૨૦ મીટરની લંબાઈની મર્યાદા નાબૂદ
ગુજરાતના માછીમારોના હિતમાં મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણયઃ માછીમારોની યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં કરાયો સુધારો

પ્રભાસપાટણ/ ગીર સોમનાથ તા.૯: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માછીમાર ભાઈઓના આર્થિક ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, માછીમારોની યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં મહત્વપૂર્ણ સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિગતવાર માહિતી આપતા ઉમેર્યું હતું કે, અગાઉના નિયમ મુજબ આ યોજનાનો લાભ માત્ર ૨૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક બોટોને જ મળતો હતો. હવે માછીમાર સમુદાયના વ્યાપક હિતમાં આ ૨૦ મીટરની મર્યાદાને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. આ સુધારાના પરિણામે હવે રાજ્યની ડીપ-સી બોટો સહિત તમામ યાંત્રિક ફિશિગ બોટો આ યોજનાનો લાભ મેળવી શકશે.
આ લાભ મેળવવા માટે જે-તે ફિશિગ બોટની નોંધણી રિયલ ક્રાફટ પોર્ટલ પર થયેલી હોવી જોઈએ તેમજ બોટ પાસે માન્ય ફિશિગ લાયસન્સ હોવું અનિવાર્ય છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યની નોંધાયેલી ૧૮,૦૦૦થી વધુ યાંત્રિક ફિશિગ બોટો હવે ડીઝલ વેટ રાહત મેળવવા માટે પાત્ર બની છે, તેમ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું હતું.
વધુ વિગતો આપતાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી તમામ યાંત્રિક બોટોને સરકાર દ્વારા 'ડીઝલ કાર્ડ' આપવામાં આવશે. આ કાર્ડ ધારક બોટોને પ્રતિ લિટર મહત્તમ રૂ. ૧૫/- લેખે ડીઝલ વેટ રાહત મળશે. જો વેટની રકમ રૂ. ૧૫ કરતાં ઓછી હશે, તો તે મુજબ સબસિડી મળવાપાત્ર રહેશે.
નાના, મધ્યમ અને મોટાતમામ વર્ગના માછીમારોને આ સમાન લાભ મળવાને કારણે તેમના ડીઝલના દૈનિક ખર્ચમાં મોટો ઘટાડો થશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકમાં નોંધપાત્ર વધારો થશે. હજુ પણ જે માછીમાર બંધુઓને રિયલ ક્રાફટ પોર્ટલ પર નોંધણી અથવા ફિશિગ લાયસન્સ મેળવવાનું બાકી હોય તો તે સત્વરે પૂર્ણ કરવા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ અનુરોધ કર્યો છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
