તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Sunday, 20th September 2026
વડોદરાના રામદેવપીરના નેજા હાઈટેન્શન લાઈનને અડતાં 2 યુવકો ગંભીર રીતે દાઝી ગયા :સાવલીમાં વીજકરંટ લાગતાં એક વૃદ્ધનું મોત
વડોદરાના હરિનગર રાજેશ ટાવર રોડ પર રામદેવપીરના નેજા હાઈટેન્શન લાઈનને અડતાં 2 યુવકો ગંભીર રીતે દાઝી જતાં ગોત્રી હોસ્પિટલ ખસેડાયા

વડોદરા : શહેર અને જિલ્લામાં વીજકરંટ લાગવાની બે અત્યંત ગંભીર દુર્ઘટનાઓ સામે આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા હરિનગર પાસે રામદેવપીરના નેજા લઈ જઈ રહેલા બે યુવાનો હાઈટેન્શન વાયરના સંપર્કમાં આવતા ગંભીર રીતે દાઝી ગયા હતા. કરંટનો પ્રવાહ એટલો ભયાનક હતો કે ડામરના પાકા રસ્તા પર મસમોટો ખાડો પડી ગયો હતો. બીજી તરફ, વડોદરા જિલ્લાના સાવલી નગરમાં કોર્ટ પરિસર પાછળ પાણીની ઇલેક્ટ્રિક મોટરમાંથી કરંટ લાગતાં એક વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હરિનગર ચાર રસ્તાથી રાજેશ ટાવર રોડ તરફ શ્રદ્ધાળુઓ રામદેવપીરનો નેજો (ધજા) લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ઉપરથી પસાર થતી ભારે વીજપ્રવાહ ધરાવતી હાઈટેન્શન વાયરમાં ધાતુનો નેજો કે તેનો દંડો અચાનક અડી ગયો હતો. ક્ષણવારમાં જોરદાર ધડાકા સાથે વીજપ્રવાહ જમીન સુધી દોડી આવ્યો હતો અને નેજો પકડીને ચાલી રહેલા બંને યુવાનો તેની ઝપેટમાં આવી ગયા હતા. કરંટનો પાવર એટલો પ્રચંડ હતો કે બંને યુવકો ગંભીર રીતે દાઝીને રસ્તા પર પટકાયા હતા અને રસ્તાની સપાટી પર મોટો ખાડો પડી ગયો હતો.
બનાવને પગલે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સ્થાનિક અગ્રણીઓ અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે દાઝેલા બંને યુવકોને તાત્કાલિક ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ભાજપ કોર્પોરેટર શ્રીરંગ આયરે તાબડતોબ સ્થળ પર અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તે માટે વ્યવસ્થા કરાવી હતી.
જિલ્લાના સાવલી નગરમાં પણ વીજકરંટની એક અત્યંત દર્દનાક ઘટના બની હતી. સાવલી કોર્ટ પરિસરના પાછળના ભાગમાં આવેલા રહેણાંક વિસ્તારમાં એક વૃદ્ધ પાણી ભરવા માટે ઘરની ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા ગયા હતા. તે વખતે મોટરમાં અચાનક વીજપ્રવાહ ઉતરી આવતાં વૃદ્ધને જોરદાર કરંટ લાગ્યો હતો અને તેઓ સ્થળ પર જ ફસડાઈ પડ્યા હતા. ગંભીર કરંટના કારણે વૃદ્ધનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. બનાવની જાણ થતાં જ સાવલી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
