News of Sunday, 19th April 2026
ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યા કેસમાં 2 મુખ્ય આરોપીની ધરપકડ
આગજની અને તોડફોડ કરનાર 125થી વધુ લોકોના ટોળા સામે ગુન્હો નોંધાયો

ધંધુકા ખાતે બાઈક ઓવરટેક કરવાના મામલે યુવાનની થયેલી હત્યા અને ત્યારબાદ શહેરમાં ફેલાયેલી અશાંતિના મામલે પોલીસ હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે હત્યાના બંને મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા છે
પોલીસે ધર્મેશ ગમારાની હત્યાના કેસમાં સંડોવાયેલા બે મુખ્ય આરોપી રિઝવાન મણિયાર અને સમીર અમદાણીની ધરપકડ કરી લીધી છે અને તેમને કાયદાકીય પ્રક્રિયા હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આવતીકાલે પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરશે.
હત્યાની ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા કરવામાં આવેલી આગજની અને તોડફોડને પોલીસે ગંભીરતાથી લીધી છે. આ અંગે પોલીસે 125થી વધુ અજાણ્યા લોકોના ટોળા સામે અલગથી ગુનો દાખલ કર્યો છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તોડફોડ કરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટે સ્પષ્ટતા કરી છે કે, આ હત્યા પાછળ કોઈ સામાજિક કે કોમી કારણ નથી, પરંતુ માત્ર બે વ્યક્તિ વચ્ચે બાઈક ઓવરટેક કરવાના મુદ્દે થયેલી માથાકૂટ છે.
તેમણે જણાવ્યું હતું કે, બંને પક્ષ વચ્ચે માત્ર અંગત માથાકૂટ હતી. સ્થિતિ હાલ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને જનજીવન સામાન્ય બની ગયું છે. પોલીસ દ્વારા શહેરમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
