તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
181 અભયમ્ મહિલા હેલ્પલાઇનના સમયસર હસ્તક્ષેપ અને અસરકારક કાઉન્સેલિંગથી ગર્ભવતી મહિલાને માનસિક ત્રાસમાંથી મળી રાહત
રાજપીપળા અભયમ્ ટીમે સંવેદનશીલ કાઉન્સેલિંગ, કાયદાકીય માર્ગદર્શન અને લેખિત બાંહેધરી દ્વારા પરિવારિક વિવાદનો કરાવ્યો સફળ ઉકેલ

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં રહેતી એક ગર્ભવતી મહિલાએ પોતાના સસરા દ્વારા થતા સતત માનસિક ત્રાસ, અપશબ્દો, ધાક-ધમકી તથા મારપીટથી કંટાળી મદદ મેળવવા માટે 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો. કોલ મળતાની સાથે જ 181 અભયમ્ રાજપીપળા રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, પીડિતાની સુરક્ષા સુનિશ્ચિત કરી અને સમગ્ર ઘટનાની સંવેદનશીલતાથી નોંધ લઈ કાઉન્સેલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી.
પ્રાથમિક કાઉન્સેલિંગ દરમિયાન પીડિતાએ જણાવ્યું હતું કે તેઓ આઠ મહિનાની ગર્ભવતી છે તેમજ તેમને એક પુત્રી છે. પરિવાર ખેતી મજૂરી કરીને જીવન નિર્વાહ કરે છે. સસરા તેમની સાથે જ રહે છે અને તેઓ ગર્ભાવસ્થા હોવા છતાં ઘરનાં તમામ કામકાજ કરે છે. તેમ છતાં સસરા અવારનવાર નશાની હાલતમાં ઘરે આવી અપશબ્દો બોલતા, ઝગડો કરતા, ધાક-ધમકી આપતા તેમજ શારીરિક હિંસા કરતા હતા. નવા મકાનના નિર્માણને લઈને પણ તેઓ વારંવાર વિવાદ ઉભો કરતા હતા. પતિ રોજગારના કારણે બહાર રહેતા હોવાથી તેમની ગેરહાજરીમાં પીડિતાને વધુ માનસિક હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. ઘટનાના દિવસે પણ જમવાનું યોગ્ય ન બનાવ્યાનો આક્ષેપ કરી અપશબ્દો બોલી મારપીટ કરવામાં આવી હતી.
181 અભયમ્ મહિલા હેલ્પલાઇનની ટીમે માત્ર ફરિયાદ સાંભળીને કાર્યવાહી જ નહીં, પરંતુ પરિવારના મૂળ પ્રશ્નને સમજવા માટે બંને પક્ષોનું અલગ-અલગ તેમજ સંયુક્ત રીતે વિસ્તૃત અને સંવેદનશીલ કાઉન્સેલિંગ કર્યું. કાઉન્સેલિંગ દરમિયાન બંને પક્ષોને એકબીજાની લાગણીઓ, જવાબદારીઓ અને પરિવારિક સંબંધોના મહત્વ અંગે સમજાવવામાં આવ્યું. મહિલાની ગર્ભાવસ્થા દરમિયાન સુરક્ષા, સન્માનપૂર્ણ વર્તન અને માનસિક સ્વાસ્થ્ય જાળવવાની જરૂરિયાત અંગે વિશેષ સમજણ આપવામાં આવી.
સામાપક્ષના કાઉન્સેલિંગ દરમિયાન સસરાએ સ્વીકાર્યું કે નશાની હાલતમાં તેમના દ્વારા અયોગ્ય વર્તન થઈ જતું હતું. 181 અભયમ્ ટીમે તેમને તેમના વર્તનના કાનૂની અને સામાજિક પરિણામોથી અવગત કરાવ્યા તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જવાબદારીપૂર્વક વર્તવાની સમજ આપી.
ત્યારબાદ 181 અભયમ્ ટીમ દ્વારા બંને પક્ષોને ઘરેલુ હિંસાથી મહિલાઓનું સંરક્ષણ અધિનિયમ, મહિલાના કાનૂની અધિકારો તથા પરિવારિક જવાબદારીઓ અંગે જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું. સતત કાઉન્સેલિંગ અને સમજાવટના પરિણામે સસરાએ પોતાની ભૂલ સ્વીકારી, પીડિતાની માફી માંગી અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની માનસિક કે શારીરિક હેરાનગતિ નહીં કરે તેવી લેખિત બાંહેધરી આપી. બંને પક્ષોની સંમતિથી લેખિત સમાધાન કરાવવામાં આવ્યું
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
