News of Monday, 12th October 2026
સુરતના અબ્રામા વિસ્તારમાં 1696 કિલો શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપાયો :રૂપિયા 18.21 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસ અને પાલિકાના આરોગ્ય તથા ફૂડ વિભાગે સંયુક્ત દરોડો પાડ્યો :કલ્પેશ મોદી, કિશન મોદી અને સન્ની મોદીની અટકાયત:ઘીના સેમ્પલ તપાસ માટે મોકલાયા:સપ્લાય ચેઇન અને સંડોવાયેલા અન્ય લોકોની તપાસ

સુરત:શહેરમાંથી ફરી એક વખત શંકાસ્પદ નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચ્યો છે. અબ્રામા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરી પર પોલીસ અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય તથા ફૂડ વિભાગની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી આશરે 1696 કિલો શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવાતી વિવિધ સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે.
પોલીસ અને પાલિકાની ટીમે ફેક્ટરીમાં તપાસ હાથ ધરતા મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. કાર્યવાહીમાં પોલીસે કુલ રૂપિયા 18.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે કલ્પેશ મોદી, કિશન મોદી અને સન્ની મોદી નામના ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ત્રણેય સામે તપાસ શરૂ કરી છે. ફેક્ટરીમાં ઘી બનાવવાની પ્રક્રિયા અને ઉપયોગમાં લેવાતી સામગ્રી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે
પોલીસ દ્વારા હાલમાં જાણવા જોગ નોંધ દાખલ કરવામાં આવી છે. ફેક્ટરીમાંથી મળી આવેલા શંકાસ્પદ ઘીના નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઘી ખરેખર નકલી છે કે કેમ, તેમાં કયા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે ખાદ્ય સુરક્ષાના ધોરણો મુજબ યોગ્ય છે કે નહીં, તેની સ્પષ્ટતા તપાસ રિપોર્ટ આવ્યા બાદ થશે. રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ સમગ્ર મામલે હવે સૌથી મોટો સવાલ એ છે કે અટકાયતમાં લેવાયેલા ત્રણેય શખ્સો કેટલા સમયથી ઘી બનાવવાનો અને વેચવાનો વ્યવસાય કરતા હતા. ફેક્ટરીમાં તૈયાર થતો ઘીનો જથ્થો સુરત સહિત કયા વિસ્તારોમાં પહોંચાડવામાં આવતો હતો અને આ જથ્થો કયા વેપારીઓ અથવા અન્ય વ્યક્તિઓને સપ્લાય થતો હતો, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ હવે ઘીના ઉત્પાદનથી લઈને તેના વેચાણ સુધીની સમગ્ર સપ્લાય ચેઇન અંગે માહિતી મેળવી રહી છે. આ વ્યવસાયમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, તે પણ તપાસનો વિષય છે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
