તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિ (RCNCA) ની દિલ્હી ખાતે યોજાયેલી ૧૫મી બેઠકમાં દાયકાઓ જૂના પ્રશ્નોના સમાધાનની દિશામાં મોટી પ્રગતિ : અગાઉ થયેલા એમઓયુને મળ્યું ઔપચારિક અનુમોદન
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયા : પરસ્પર સહમતિથી બાકી રહેલા મુદ્દાઓ ઉકેલવા પર ભાર

ગાંધીનગર : દિલ્હી ખાતે નર્મદા નિયંત્રણ પ્રાધિકરણની સમીક્ષા સમિતિ (RCNCA) ની ૧૫મી બેઠક અત્યંત સકારાત્મક અને રચનાત્મક વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાઈ હતી. આ બેઠકના માધ્યમથી નર્મદા મુદ્દે દાયકાઓ જૂના પ્રશ્નોના કાયમી અને સંતોષકારક સમાધાનની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ હાંસલ થઈ છે.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા, જેનાથી તમામ પક્ષો વચ્ચે પરસ્પર સંકલન વધુ મજબૂત બન્યું હતું.
બેઠક દરમિયાન અગાઉ થયેલા સમજૂતી કરાર (MoU) ને સર્વાનુમતે અનુમોદન આપવામાં આવ્યું હતું. આ સાથે નર્મદા યોજના સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, જેના પરિણામે તમામ રાજ્યો અને કેન્દ્ર વચ્ચે પરસ્પર સમજણ તથા સહમતિનું ઉત્તમ વાતાવરણ સર્જાયું હતું.
આ બેઠક નર્મદા સંબંધિત દાયકાઓ જૂના પેચીદા પ્રશ્નોના ઉકેલ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે. કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્યો વચ્ચેના પરસ્પર સંકલન અને સહયોગ દ્વારા નર્મદા સંબંધિત અન્ય મોટા અને બાકી રહેલા મુદ્દાઓનું નિરાકરણ પણ ભવિષ્યમાં સંવાદ અને સહયોગના માધ્યમથી લાવવા માટેનો સકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે. આગામી સમયમાં આ જ સહયોગી નીતિથી તમામ પ્રશ્નોને સહમતિપૂર્વક ઉકેલવાની દિશામાં આગળ વધવામાં આવશે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
