તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
દાહોદમાં બાબુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારીઓને માર મારી ૧.૪૬ કરોડની સનસનીખેજ લૂંટ ચલાવનાર ગેંગના ૪ સાગરીતો ફિલ્મી ઢબે ઝબ્બે !
એપીએમસી માર્કેટ પાસે ધોળા દિવસે થયેલી તોતિંગ લૂંટનો ભેદ ઉકેલાયો : પોલીસની ગાડી સાથે ટકરાતા ૩ લૂંટારા ઝડપાયા, કુલ ૪ જેલભેગા : લૂંટમાં સામેલ કુલ ૮ આરોપીઓમાંથી પરમેશ્વર પલાસ, અતુલ ભૂરિયા અને ગોવિંદ મોહણિયા સહિત ૪ પકડાયા, ૪ હજુ ફરાર : ડીવાયએસપી જગદીશ ભંડારીનું મેગા સર્ચ ઑપરેશન

દાહોદ: અહીં ગત ૨૬મી મેના રોજ બાબુ કાંતિ આંગડિયા પેઢીના બે કર્મચારીઓ પાસેથી રૂપિયા ૧.૪૧ કરોડની રોકડ અને ૫ લાખના દાગીના મળી કુલ ૧.૪૬ કરોડની લૂંટ થઈ હતી. ડીવાયએસપી જગદીશ ભંડારીના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીએ ફિલ્મી ઢબે પીછો કરી, ૪ લૂંટારાઓને ઝડપી પાડી ૧.૩૫ કરોડ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે.
દાહોદ શહેરના ધમધમતા એપીએમસી માર્કેટ વિસ્તારમાં ધોળે દહાડે આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી રૂપિયા ૧.૪૬ કરોડની મત્તા લૂંટી જવાની સનસનીખેજ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો હતો. જોકે, દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હાઈપ્રોફાઈલ લૂંટ કેસનો પર્દાફાશ કરી જાલત રેલવે અંડરપાસ પાસે ફિલ્મી દ્રશ્યો સર્જીને લૂંટારાઓને દબોચી લીધા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૨૬મી મેના રોજ દાહોદની નામાંકિત 'બાબુ કાંતિ આંગડિયા પેઢી' ના કર્મચારીઓ રાજુભાઈ પટેલ અને નરેન્દ્રસિંહ સોલંકી મોપેડ પર ગોધરા તરફ જવા નીકળ્યા હતા. તેમની પાસે રૂપિયા ૧.૪૧ કરોડની રોકડ અને અંદાજે રૂપિયા ૫ લાખની કિંમતના સોનાના દાગીના હતા. સાંજે ૫ વાગ્યાના સુમારે એપીએમસી માર્કેટના વેરહાઉસ નજીક નંબર પ્લેટ વિનાની બે બાઈક પર ૬ જેટલા શખ્સો ત્રાટક્યા હતા. આ લૂંટારાઓએ બંને કર્મચારીઓને રસ્તામાં આંતરી, લાકડીઓ વડે માર મારીને નીચે પાડી દીધા હતા અને રોકડ તથા દાગીના ભરેલો થેલો આંચકીને ફરાર થઈ ગયા હતા.
આ બનાવની જાણ થતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. ડીવાયએસપી જગદીશ ભંડારીના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) નો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે જિલ્લાના તમામ પ્રવેશદ્વારો પર નાકાબંધી કરી દીધી હતી.
આ નાકાબંધી દરમિયાન જાલત ગામના રેલવે અંડરપાસ પાસે પોલીસ અને લૂંટારાઓ વચ્ચે જબરદસ્ત ફિલ્મી ચેઝ જોવા મળી હતી. નાકાબંધી તોડીને ભાગવાનો પ્રયાસ કરતા લૂંટારાઓની પલ્સર બાઈક પોલીસની ગાડી સાથે જોરદાર ટકરાઈ હતી અને તેઓ નાળામાં પટકાયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસે ત્યાંથી ૩ લૂંટારાઓને દબોચી લીધા હતા અને ત્યારબાદ વધુ તપાસમાં અન્ય ૧ આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસની આ સઘન અને કડક કાર્યવાહીમાં અત્યાર સુધીમાં પરમેશ્વર પલાસ, અતુલ ભૂરિયા અને ગોવિંદ મોહણિયા (તમામ રહેવાસી દાહોદ) સહિત કુલ ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આખા લૂંટકાંડમાં કુલ ૮ લોકોના નામ ખુલ્યા છે, જેમાંથી બાકીના ૪ હજુ પણ ફરાર છે.
ઝડપાયેલા આરોપીઓએ છુપાવેલા રૂપિયામાંથી પોલીસે અત્યાર સુધીમાં ૧.૩૫ કરોડ રૂપિયાની માતબર રકમનો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલ બાઈક રિકવર કરી લીધી છે.
ડીવાયએસપી જગદીશ ભંડારીએ સ્પષ્ટ અને કડક ચેતવણી આપી છે કે આ લૂંટમાં આરોપીઓને આશરો આપનાર કે કોઈપણ પ્રકારની મદદ કરનારની ખેર નથી. હાલમાં બાકી રહેલી રકમ અને ફરાર ૪ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમોએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ધોળા દિવસે થયેલી આ તોતિંગ લૂંટનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલાઈ જતા વેપારી આલમ અને નગરજનોમાં મોટી રાહતની લાગણી ફેલાઈ છે.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
