તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
૧૪૫-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી-૨૦૨૬ માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન : સાંજે ૫ વાગ્યા સુધીમાં અંદાજિત ૩૪.૩૫ ટકા નોંધાયું મતદાન
૨૬૦ મતદાન મથકો પર પાયાની સુવિધાઓ સાથે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરાઈ : ECINET એપ પર ડેટા અપલોડ : તા. ૩ ઓગસ્ટના રોજ ભારતીય વિદ્યા ભવન ખાતે યોજાશે મતગણતરી

વડોદરા:૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી-૨૦૨૬ માટે આજે સવારે ૭:૦૦ વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા અત્યંત સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચની નવી પહેલના ભાગરૂપે મતદાન મથકના પ્રિસાઇડિંગ અધિકારીઓ દ્વારા ECINET એપ પર સીધો મતદાન ડેટા અપલોડ કરવામાં આવ્યો હતો, જે અનુસાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૧૪૫-માંજલપુર બેઠક પર અંદાજિત ૩૪.૩૫% જેટલું શાંતિપૂર્ણ મતદાન નોંધાયું છે.
મતદાન પ્રક્રિયા વિધિવત રીતે શરૂ થાય તે પહેલાં તમામ મતદાન મથકો પર EVM મશીનો ચકાસવા માટે મોક પોલ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉમેદવારો દ્વારા નિયુક્ત કરાયેલા અંકિત મતદાન એજન્ટો હાજર રહ્યા હતા. સમગ્ર માંજલપુર વિધાનસભા વિસ્તારમાં કુલ ૬૨ સ્થળો પર ૨૬૦ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રતિ મતદાન મથક સરેરાશ ૮૪૪ મતદારો આવરી લેવાયા હતા. તમામ કેન્દ્રો પર વીજળી, પીવાનું પાણી, શૌચાલય અને રેમ્પ જેવી મૂળભૂત સગવડો સુનિશ્ચિત કરવામાં આવી હતી.
ચૂંટણી પ્રક્રિયાને વધુ સર્વસમાવેશી બનાવવા માટે વિશિષ્ટ પ્રયોગો પણ હાથ ધરાયા હતા. જે અંતર્ગત ૨ મતદાન મથકોનું સંચાલન સંપૂર્ણપણે મહિલા સ્ટાફ દ્વારા અને ૨ મતદાન મથકોનું સંચાલન દિવ્યાંગ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યાં વ્હીલચેર સહિતની ખાસ સુવિધાઓ રાખવામાં આવી હતી. આ ઉપરાંત, મતદારોને ઉત્સાહિત કરવા માટે ૫ આદર્શ મતદાન મથકો પણ ઊભા કરવામાં આવ્યા હતા.
EVM તથા VVPAT મશીનોનું સુચારૂ વ્યવસ્થાપન કરવા સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ચૂંટણી પ્રક્રિયા માટે ‘ભારતીય વિદ્યા ભવન, મકરપુરા’ ને ડિસ્પેચ સેન્ટર, રિસિપ્ટ સેન્ટર, સ્ટ્રોંગ રૂમ અને મતગણતરી કેન્દ્ર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે, જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાન દરમિયાન મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર પ્રક્રિયા પર સતત નિરીક્ષણ રાખવામાં આવ્યું હતું. આ પેટાચૂંટણીની મતગણતરી આગામી તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૬ ને સોમવારના રોજ યોજાશે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
