<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

અમદાવાદ રથયાત્રામાં 108 ઈમરજન્સી સેવા કાર્યરત :41 કેસ હેન્ડલ કર્યા:15 બેભાન, 3 અકસ્માત અને 4 પડી જવાના કિસ્સાઓ નોંધાયા

શ્વાસની તકલીફ, છાતીનો દુખાવો અને આંચકી જેવી સમસ્યાઓ માટે તાત્કાલિક સારવાર અપાઈ:કાલુપુર વિસ્તારોમાં નાગરિકોએ એમ્બ્યુલન્સને રસ્તો આપી માનવીય અભિગમ દાખવ્યો

અમદાવાદમાં આયોજિત ભવ્ય રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા 108 ઈમરજન્સી સેવા  સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી છે. લાખોની જનમેદની વચ્ચે કોઈપણ પ્રકારની તબીબી કટોકટીને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સાહ અને ગરમીના વાતાવરણમાં ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે એમ્બ્યુલન્સની ટીમો સતત કાર્યરત રહી છે.

રથયાત્રાના રૂટ પર 108 દ્વારા કુલ 41 જેટલા ઈમરજન્સી કેસ હેન્ડલ કરવામાં આવ્યા. આ દરમિયાન 15 વ્યક્તિઓ ગરમી અને ભીડને કારણે બેભાન થઈ ગયા હતા, જેમને સ્થળ પર જ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને રાહત પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત, ભીડને કારણે સર્જાયેલી સ્થિતિમાં અન્ય અનેક દર્દીઓને પણ જરૂરી મદદ પૂરી પાડવામાં આવી.

 

રથયાત્રા દરમિયાન 3 માર્ગ અકસ્માત અને 4 વ્યક્તિઓ નીચે પડી જવાથી ઈજાગ્રસ્ત થવાના કિસ્સા નોંધાયા છે. આ ઉપરાંત, ભીડમાં ગુંગળામણ અનુભવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવો થવાની ફરિયાદો પણ મળી હતી. 108 ની ટીમે સમય સૂચકતા વાપરીને આવા દર્દીઓને તાત્કાલિક સારવાર આપી હતી.

આ પ્રકારના આયોજનમાં સૌથી મોટો પડકાર એમ્બ્યુલન્સને રસ્તો આપવાનો હોય છે. જોકે, આ વર્ષે પ્રશાસન અને સ્થાનિક લોકોના સહયોગથી એમ્બ્યુલન્સને સરળતાથી પસાર થવા માટે માર્ગ મળી રહ્યો હતો. ખાસ કરીને કાલુપુર જેવા  ગીચ વિસ્તારોમાં પણ લોકોએ સમજદારી દાખવીને એમ્બ્યુલન્સ માટે તાત્કાલિક રસ્તો ખાલી કરી આપ્યો હતો, જેથી દર્દીઓને સમયસર હોસ્પિટલ ખસેડવામાં સફળતા મળી હતી.

(6:35 PM IST)