<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી વિઝનથી શરૂ થયેલી '૧૦૮' ઈમરજન્સી સેવાના સફળતાપૂર્વક ૧૯ વર્ષ પૂર્ણ : ૧૯.૬૬ લાખથી વધુ નાગરિકોના ઉગારાયા જીવ

૧.૯૯ કરોડથી વધુ આપાતકાલીન કેસોમાં ત્વરિત મદદ, ૬૨.૯૭ લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત કેસોમાં સેવા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે શરૂ કરાયેલી '૧૧૨' ઇમરજન્સી હેલ્પલાઇનનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાતમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં નાગરિકો માટે આશીર્વાદરૂપ બનેલી ‘૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ’ દ્વારા સફળતાપૂર્વક ૧૯ વર્ષ પૂર્ણ કરીને ૨૦મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી તા. ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ શરૂ થયેલી આ યોજના આજે રાજ્યના લાખો પરિવારો માટે સાચા અર્થમાં 'લાઈફલાઈન' અને હોસ્પિટલ પહોંચતા પહેલા મળતી 'પ્રિ-હોસ્પિટલ કેર' બની ચુકી છે.

 

કટોકટીની સ્થિતિમાં જરૂરિયાતમંદ, ગંભીર બીમાર કે ઈજાગ્રસ્ત વ્યક્તિને ત્વરિત હોસ્પિટલ પહોંચાડવા નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સુવિધા પૂરી પાડતી આ સેવાના ૯૯ ટકા ફોન કોલ્સનો પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં દર ૨૧ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ રવાના થાય છે અને સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૧૩:૦૯ મિનિટનો છે. અમદાવાદના નરોડા-કઠવાડા ખાતે ૧૫ એકરના વિસ્તારમાં અદ્યતન 'સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર' કાર્યરત છે, જ્યાં CAD Application ના ઉપયોગથી કોલ કરનારનું લોકેશન ઓટોમેટિક પ્રાપ્ત થઈ જાય છે. તદુપરાંત '૧૦૮ સીટીઝન મોબાઈલ એપ્લિકેશન' અને પેપરલેસ ૧૦૮ ઈમરજન્સી સેવા જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

 

૧૯ વર્ષની આંકડાકીય સિદ્ધિઓ અને આરોગ્ય ક્ષેત્રે યોગદાન:

ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં ૧૦૮ સેવા દ્વારા કુલ ૧ કરોડ ૯૯ લાખ કટોકટીના કેસોમાં સેવા પૂરી પાડવામાં આવી છે. જેમાં ૧ કરોડ ૯૬ લાખ ૪૨ હજારથી વધુ મેડિકલ ઈમરજન્સી, ૨ લાખ ૫૫ હજારથી વધુ પોલીસ સંબંધી કેસો અને ૮ હજાર ૩૦૦થી વધુ ફાયર સંબંધિત ઘટનાઓનો સમાવેશ થાય છે. આ કામગીરી દરમિયાન ૧૯ લાખ ૬૬ હજારથી વધુ ગંભીર સ્થિતિમાં મુકાયેલા માનવ જીવ બચાવાયા છે, જ્યારે એમ્બ્યુલન્સ વાહનો દ્વારા ૬૨ કરોડથી વધુ કિલોમીટરનું સફળ સંચાલન કરાયું છે.

 

રાજ્યમાં ૬૨ લાખ ૯૭ હજારથી વધુ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત કેસોમાં કટોકટીના સમયે મદદ પહોંચાડાઈ છે, જેમાં ૧ લાખ ૬૪ હજાર ૭૧૫થી વધુ પ્રસૂતિઓ તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે કે એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક કરાવવામાં આવી છે. આ સિવાય ૨૪ લાખ ૧૮ હજારથી વધુ માર્ગ અકસ્માત, ૧૧ લાખ ૭૭ હજારથી વધુ શ્વાસ સંબંધિત ગંભીર કેસો અને ૯ લાખ ૮૭ હજારથી વધુ હૃદયરોગના હુમલા સંબંધી દર્દીઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડાયા છે. દરરોજ સરેરાશ ૪,૭૮૦ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતી આ સેવામાં ૨૧ માર્ચ ૨૦૨૨થી GUJSAIL અને GVK EMRI ના સંકલનમાં 'એર એમ્બ્યુલન્સ સેવા' તેમજ પોરબંદર અને ઓખા બંદર ખાતે માછીમારો માટે 'બોટ એમ્બ્યુલન્સ સેવા' પણ કાર્યરત છે.

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે શરૂ કરાયેલી '૧૧૨' સેવાનું ૧ વર્ષ પૂર્ણ:

બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે શરૂ કરવામાં આવેલી એકીકૃત ઇમરજન્સી હેલ્પલાઇન ‘૧૧૨’ની સેવાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષ દરમિયાન ૧૧૨ હેલ્પલાઇન દ્વારા ૧૦ લાખથી વધુ ઇમરજન્સી કોલ્સ એટેન્ડ કરવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ દ્વારા પ્રતિ મિનિટ સરેરાશ ૧૦ કોલ એટેન્ડ કરીને ગણતરીની મિનિટોમાં મદદ પહોંચાડવામાં આવી છે. ૨૪ કલાક અવિરત સેવા આપતા બંને કોલ સેન્ટરના કર્મચારીઓ, એમ્બ્યુલન્સ સ્ટાફ, ડ્રાઇવરો અને પોલીસ કર્મચારીઓ રાજ્યના અદ્રશ્ય હીરો સાબિત થઈ રહ્યા છે. (અહેવાલ - ઋચા રાવલ, માહિતી ખાતું, ગાંધીનગર)

(11:43 AM IST)