તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
આવતીકાલે ગુજરાતના 28 જિલ્લાઓમાં ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ ના 101 નવા કેન્દ્રોનું લોકાર્પણ : કુલ 372 કેન્દ્રો કાર્યરત થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ચાણક્યપુરી ખાતેથી શુભારંભ કરાવશે, નવા કેન્દ્રોથી દૈનિક 10 હજાર ભોજનનો વધારો, અંદાજે 45 હજાર શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળશે

( અશ્વિન વ્યાસ દ્વારા)ગાંધીનગર, તા. 15 : બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને ન્યૂનતમ દરે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવા ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ નો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આવતીકાલે શુક્રવારે રાજ્યના 28 જિલ્લાઓમાં કુલ 101 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનું લોકાર્પણ કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ચાણક્યપુરી ખાતેના કેન્દ્રનો શુભારંભ કરાવશે અને શ્રમદાન સાથે શ્રમિકોને ભોજન પીરસી સંવાદ કરશે. વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો પણ કેન્દ્રોનું લોકાર્પણ કરશે.
યોજના હેઠળ પ્રતિ વ્યક્તિ માત્ર 5 રૂપિયામાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળ સહિતનું પૌષ્ટિક ભોજન અપાય છે, અઠવાડિયામાં એક વાર સુખડી અને શીરા જેવું મિષ્ટાન્ન પણ આપવામાં આવે છે.
અત્યાર સુધીમાં યોજના હેઠળ 5 કરોડથી વધુ ભોજનનું વિતરણ થયું છે. હાલ દરરોજ સરેરાશ 35 હજારથી વધુ ભોજન વિતરિત થાય છે, 101 નવા કેન્દ્રો શરૂ થવાથી દૈનિક વિતરણમાં 10 હજારનો વધારો થઈ અંદાજે 45 હજાર લોકોને લાભ મળશે. કડીયાનાકા ખાતે સ્થાયી કેન્દ્રો ઉપરાંત બાંધકામ સાઈટ પર 50 થી વધુ શ્રમિકો હોય ત્યાં ડોરસ્ટેપ ડિલિવરીની સુવિધા પણ છે, અત્યાર સુધીમાં સાઈટ પર અંદાજે 27 લાખ ભોજન વિતરિત કરાયા છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
