તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
જળબંબાકાર ધોળકામાં ૧૦૮ ઈમરજન્સી સેવા બની રક્ષક: પૂરના પાણીમાં સ્પાઈન બોર્ડ અને ટ્રેક્ટર વડે બે પ્રસૂતાઓ તથા વૃદ્ધાને જીવતદાન આપ્યું!
NDRF અને ફાયર બ્રિગેડની મદદથી કમરપૂર પાણી વચ્ચે હાથ ધરાયું સાહસિક રેસ્ક્યૂ: કલિકુંડમાં ચક્કર આવતાં ખાબકેલાં ૭૯ વર્ષીય મહિલાને સ્પાઇન બોર્ડ પર ઊંચકી હોસ્પિટલ પહોંચાડાયા

અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં બે દિવસ અગાઉ તૂટી પડેલા સાંબેલાધારે વરસાદે જળતાંડવની સ્થિતિ સર્જી દીધી છે. ધોળકાના અનેક વિસ્તારો હજુ પણ બેટમાં ફેરવાયેલા છે અને રસ્તાઓ પર કમરપૂર પાણી ભરાયેલા છે. આવી વિકટ અને કટોકટી ભરી પરિસ્થિતિમાં ઈમરજન્સી સેવા '૧૦૮ એમ્બ્યુલન્સ'ની ટીમ ધોળકાવાસીઓ માટે સાક્ષાત દેવદૂત સાબિત થઈ રહી છે. પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે ૧૦૮ની ટીમે સ્થાનિક તંત્ર, NDRF અને ફાયર બ્રિગેડની મદદથી સ્પાઈન બોર્ડ તથા ટ્રેક્ટરનો ઉપયોગ કરીને બે પ્રસૂતા મહિલાઓ અને એક વૃદ્ધાને હોસ્પિટલ પહોંચાડીને નવજીવન આપ્યું છે.
પ્રથમ ઘટના ધોળકાના કલિકુંડ વિસ્તારની સેતૃજની સોસાયટીમાં બની હતી, જ્યાં ૭૯ વર્ષીય વૃદ્ધા અચાનક ચક્કર આવતાં પૂરના પાણીમાં પડી ગયા હતા. સોસાયટીમાં ભારે પાણી હોવાથી એમ્બ્યુલન્સ ઘર સુધી પહોંચી શકે તેમ નહોતી. આવી ગંભીર સ્થિતિમાં ૧૦૮ ના EMT નાગજીભાઈ અને પાયલોટ વનરાજસિંહ તથા અનિરુદ્ધસિંહે હિંમત ન હારી. તેઓ સ્પાઇન બોર્ડ લઈને કમરપૂર પાણીમાં ચાલીને ઘર સુધી પહોંચ્યા હતા અને વૃદ્ધાને સુરક્ષિત રીતે ઊંચકીને એમ્બ્યુલન્સ સુધી લાવી પાર્શ્વનાથ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
આ ઉપરાંત, પૂરના પાણીમાં ફસાયેલી બે સગર્ભા મહિલાઓનું પણ સાહસિક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ધોળકાના ત્રાંસદ ગામની ૧૯ વર્ષીય યુવતીને અચાનક પ્રસવ પીડા ઉપડતાં ૧૦૮ ની ટીમે ફાયર બ્રિગેડની બોટની મદદથી બહેનને સુરક્ષિત બહાર કાઢી CHC ધોળકા ખસેડ્યા હતા. આવી જ રીતે ત્રિપદા સોસાયટીની ૨૫ વર્ષીય મહિલાને પ્રસવ પીડા થતાં ૧૦૮ ની ટીમે ટ્રેક્ટર અને સ્પાઇન બોર્ડનો ઉપયોગ કરીને આયાત હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જ્યારે ભેટાવાડા ગામના અન્ય એક પ્રસૂતા સંગીતાબેનને NDRF ની ટીમે સુરક્ષિત ઉગારી લીધા હતા.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ૧૦૮ ના પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહી અને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર કાપરીયાએ જાનના જોખમે દર્દીઓની સેવા કરનાર ૧૦૮ ની ટીમની ત્વરિત અને પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી. પૂરની આ કટોકટીમાં ૧૦૮ ની ટીમે દર્શાવેલી સમયસૂચકતા અને માનવતાની સ્થાનિક રહીશો મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યા છે.
(11:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
