News of Saturday, 4th July 2026
કાર અને ટુ-વ્હિલરની ફિટનેસ ફીમાં ૧૦૦ ટકા વધારો, પોર્ટલમાં સુધારો ન થતાં કામગીરી ઠપ
ATSમાં કારનું ફિટનેસ ટેસ્ટિંગ ફરજિયાત, ૧૨ હજારથી વધુ અરજીઓ પેન્ડિંગ : ટુ-વ્હીલરમાં રૂ.૧,૨૦૦ની સામે રૂ.૨,૫૦૦, કારમાં રૂ.૫,૨૦૦ની સામે ૧૩,૫૦૦ ફી લેવાશે

અમદાવાદ,તા.૦૪: અત્યાર સુધી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન (ATS)માં માત્ર કોમર્શિયલ વાહનોના ફિટનેસની કામગીરી થતી હતી. પરંતુ, ભારત સરકારે ફી વધારા સાથે ખાનગી વાહનોને પણ ફરજિયાત ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનમાં લઈ જવાની અમલવારી શરૂ કરી છે. જોકે, વાહનવ્યવહારના ઓનલાઈન પોર્ટલમાં આ નવા ફી સ્ટ્રક્ચરનો સુધારો કરવામાં આવ્યો નથી. પોર્ટલ અપડેટ નહીં થવાના કારણે રાજ્યની તમામ આરટીઓ કચેરીઓએ હાલ વાહન ફિટનેસની કામગીરી બંધ કરી દીધી છે, જેના લીધે રાજ્યની ૩૯ આરટીઓ કચેરીઓમાં અંદાજે ૧૨ હજારથી વધુ અરજીઓ પેન્ડિંગ થઈ ગઈ છે.
નવા નિયમ મુજબ, હવે આરટીઓ કચેરીમાં માત્ર રજિસ્ટ્રેશનનું રીન્યુઅલ થશે, જ્યારે વાહનનું ફિટનેસ ટેસ્ટિંગ ફરજિયાત પ્રાઇવેટ એટીએસ સેન્ટર પર જ કરાવવું પડશે. આ નવા માળખા પ્રમાણે ટુ-વ્હીલરમાં રૂ.૧,૨૦૦ની સામે ૨,૫૦૦ અને કારમાં રૂ.૫,૨૦૦ની સામે રૂપિયા ૧૩,૫૦૦ ફી
નક્કી કરાઈ છે. વાહન માલિકો માટે નવા વાહનની ખરીદીના ૧૫ વર્ષ પછી અને ત્યારબાદ દર પાંચ વર્ષે વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે. આરટીઓ કચેરીઓ દ્વારા જૂની ફી વસૂલવામાં ઓડિટ ક્વેરી અને ભવિષ્યની વસૂલાતની કાનૂની ગૂંચ ઊભી ન થાય તે માટે હાલ કામગીરી અટકાવી દેવાઈ છે.
સમય મર્યાદા આપવા માંગ
અગાઉ કોમર્શિયલ વાહનો માટે જ્યારે ખાનગી એટીએસમાં ફિટનેસ ફરજિયાત કરાયું ત્યારે સરકારે સેન્ટરોની અછતને કારણે ૬થી ૧૨ મહિનાનો સમય આપ્યો હતો. ખાનગી વાહનો માટે પણ આવી જ સમય મર્યાદા આપવી જરૂરી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં હજુ પૂરતા ફિટનેસ સ્ટેશનો નથી. પૂરતા સેન્ટરો ઊભા ન થાય ત્યાં સુધી આ આકરો નિયમ થોભાવી દેવો જોઈએ.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
