તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
સરહદી સુરક્ષાની સમીક્ષા માટે ૧૦ વરિષ્ઠ IPS અધિકારીઓ ૨૦ ગામોમાં રાત્રિરોકાણ કરશે : ૨૬ અને ૨૭ નવેમ્બરે વિશેષ ફિલ્ડ એક્સરસાઇઝ યોજાશે
કચ્છ, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના સરહદી ગામોમાં અધિકારીઓ સ્થાનિકોના ઘરે રોકાઈ સુરક્ષા માળખા, બોર્ડર પેટ્રોલિંગ અને પ્રજાજનો તથા પોલીસ જવાનોની સમસ્યાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના 'ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ'ના વિઝન, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આયોજન

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા ગુજરાતના ૨૦ સરહદી ગામોમાં સુરક્ષા વ્યવસ્થાની જમીની સ્તરે સમીક્ષા કરવા માટે ગુજરાત પોલીસના ૧૦ વરિષ્ઠ IPS અધિકારીઓ આગામી તા. ૨૬ અને ૨૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બે દિવસીય વિશેષ મુલાકાતે જશે. કચ્છ, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના આ ગામોમાં અધિકારીઓ સ્થાનિક રહીશોના ઘરોમાં રાત્રિરોકાણ કરીને નાગરિકો તથા ફરજ બજાવતા પોલીસ જવાનોની સમસ્યાઓ પ્રત્યક્ષ રીતે સાંભળશે.
સુરક્ષા ગ્રીડ અને નેતૃત્વના માર્ગદર્શન હેઠળ પહેલ:
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના ચતુષ્કોણીય સિકયુરિટી ગ્રીડના સ્પષ્ટ વિઝન અને તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકોમાં સરહદી સુરક્ષાને અભેદ્ય બનાવવા અંગે અપાયેલા દિશાનિર્દેશોને અનુરૂપ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ટેકનોલોજી આધારિત ફેન્સિંગ દ્વારા સંપૂર્ણ પ્રાદેશિક સુરક્ષા સુનિશ્ચિત કરવાના સંકલ્પને આ અભિયાન વધુ બળ આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી દેખરેખ તથા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ફિલ્ડ એક્સરસાઇઝનું આયોજન કરાયું છે, જેનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદોને વધુ સુરક્ષિત બનાવવાનો તેમજ છેવાડાના ગામોના નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે.
પેટ્રોલિંગ નિરીક્ષણ અને રાત્રિ સમીક્ષા બેઠકો:
બે દિવસની મુલાકાત દરમિયાન અધિકારીઓ સુરક્ષા માળખા, સુરક્ષા એજન્સીઓની સજ્જતા અને બોર્ડર પેટ્રોલિંગનું નિરીક્ષણ કરશે. દુર્ગમ વિસ્તારોમાં તૈનાત પોલીસ જવાનો અને ગ્રામજનો સાથે સંવાદ કરીને રાત્રિ સમીક્ષા બેઠકો યોજવામાં આવશે, જેના તારણો ભવિષ્યમાં સરહદી વિસ્તારના વિકાસ અને સુરક્ષા આયોજનમાં મહત્વપૂર્ણ બનશે. આ અભિયાન મારફતે ગુજરાત પોલીસ સરહદના અંતિમ ગામ સુધીના દરેક નાગરિકની સુરક્ષા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત કરી રહી છે.
કયા અધિકારીને કયા ગામની જવાબદારી:
આ વિશેષ અભિયાન અંતર્ગત ૧૦ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને અલગ-અલગ સરહદી ગામોની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લાના કલ્યાણપર અને બાંભણકા ગામે વડોદરા રેન્જ IGP સંદીપ સિંઘ તેમજ વરસારા અને ધબડા ગામે જામનગરના પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની રાત્રિરોકાણ કરશે. પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં અમદાવાદ શહેર ક્રાઈમના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ સુમરાપોર અને મોટા પૈયા ખાતે, ગાંધીનગર ઇન્ટેલિજન્સ-૨ ના IGP એન. એન. ચૌધરી અટાડા અને લાખાપર ખાતે, ગાંધીનગર કાયદો અને વ્યવસ્થાના IGP મકરંદ ગોવિંદભાઈ ચૌહાણ મીઠડી અને ભગડિયા ખાતે તથા ભરૂચના પોલીસ અધિક્ષક અક્ષય રાજ રતાડિયા અને રોહતલ ગામે મુલાકાત લેશે. વાવ-થરાદ જિલ્લાના કારેલી અને બારડવી ગામે પંચમહાલ-ગોધરા રેન્જના DIGP સુશ્રી વિધિ ચૌધરી, બુકણા અને નડોદર ગામે અમદાવાદ પશ્ચિમ રેલવેના પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા તેમજ બોરુ અને નેસડા ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિક્ષક એમ. જે. ચાવડા હાજર રહેશે. જ્યારે પાટણ જિલ્લાના દાત્રાણા અને બરારા ગામે અમદાવાદ શહેર ઝોન-૮ ના નાયબ પોલીસ કમિશનર મયુર ગુલાબરાવ પાટીલ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
