<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

કપડવંજમાં 27 જૂને થયેલા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત 1 શ્રમિકનું મોત થયું

તપાસમાં ખુલ્યું હતું કે આ ફેક્ટરી દોઢ વર્ષથી ગેરકાયદે ચાલતી હતી. જમીન અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતા મિતુલ પટેલે ભાડે રાખી હતી

ખેડા જિલ્લાના કપડવંજમાં ગત 27 જૂનના રોજ એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં 2 શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, ગંભીર સ્થિતિને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 2 પૈકી 1 શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેના કારણે આ મામલો વધુ ગંભીર બન્યો છે.

પોલીસ તપાસમાં આ ગેરકાયદે ફેક્ટરીને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ફેક્ટરી જે જગ્યા પર ચાલી રહી હતી તે જમીન કપડવંજના સ્થાનિક માલિક સાદિક બડા મિયાં સૈયદની હોવાનું સામે આવ્યું છે. આ જમીન અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતા મિતુલ પટેલે ભાડે રાખી હતી. મિતુલ પટેલે કોઈપણ પ્રકારની મંજૂરી વિના અહીં ફટાકડા બનાવવાનું ગેરકાયદે નેટવર્ક શરૂ કર્યું હતું.

 

સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, રહેણાંક અને ગ્રામ્ય વિસ્તારની નજીક આ જોખમી કારોબાર છેલ્લા 1.5 વર્ષ કરતાં પણ વધુ સમયથી કોઈની નજરમાં આવ્યા વિના ગેરકાયદે ચાલી રહ્યો હતો. આટલા લાંબા સમયથી તંત્રની આંખ સામે ધમધમતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:42 PM IST)