News of Friday, 10th July 2026
૧, ૨,૫ અને ૧૦ના સિક્કા લઇ ભિક્ષુક પત્નીને ભરણપોષણ આપવા કોર્ટ પહોંચ્યો
સંતાન બાબતે ઝઘડો થયા બાદ પત્ની જતી રહેતા ભિક્ષુક બની ગયો હતો

સુરત,તા.૧૦: સંતાન બાબતે ઘરમાં ઝઘડો થયા બાદ પિયરમાં જતી રહેલી પત્નીના આઘાતમાં ઘર છોડીને ભિક્ષુકનું જીવન જીવતા વ્યક્તિએ પત્નીને ૧૦ હજારનું ભરણપોષણ આપવા માટે ૧૦ હજાર પૈકી ૯ હજાર ચલણી નોટો અને બીજા એક હજાર રૂપિયામાં ૧, ૨, ૫ અને ૧૦ના સિક્કા લઈને આવતા કોર્ટમાં સૌકોઈ અચરજ પામી ગયા હતા. ચિલ્લર લેવાની ના પાડતી પત્નીને કોર્ટે ટકોર કરતા કહ્યું કે, તે પણ દેશનું ચલણ છે અને તમારે તેને સ્વીકારવું જ જ પડશે.
આ કેસની વિગત મુજબ ઉધના વિસ્તારમાં રહેતા મીનાબેનના લગ્ન ઉધનામાં જ રહેતા સુશીલભાઈ (બંનેના નામો બદલ્યા છે)ની સાથે સને-૨૦૦૯માં થયા હતા. લગ્ન વખતે મીનાબેનને કાર ખરીદવા માટે રોકડા પાંચ લાખ, સોનાની ચેઈન સહિતના અન્ય ઘરવખરીનો સામાન અપાયો હતો. લગ્ન બાદ તેઓને સંતાનમાં એક પુત્રનો જન્મ થયો હતો, જેની હાલમાં
નવ વર્ષની ઉંમર છે. બીજું સંતાન પણ દીકરો જ આવવો જોઈએ કહીને ફરીવાર ત્રાસ અપાયો હતો, અને પ્રેગ્નેન્સી કઢાવી નાંખી હતી. આખરે સાસરિયાના ત્રાસથી કંટાળીને મીનાબેન પુત્રને લઈને પિયરમાં રહેવા જતી રહી હતી.પિયરમાં
એક વર્ષ જીવન પસાર કર્યા બાદ પતિ અને સાસરિયાઓની સામે સુરતની કોર્ટમાં ભરણપોષણ અને ઘરેલુ હિસાનો કેસ કર્યો હતો. આ દરમિયાન ટ્રાયલ કોર્ટે રૂ.૧૦ હજારના ભરણપોષણનો હુકમ કર્યો હતો. પત્ની જયારથી પિયરમાં જતી રહી હતી ત્યારથી સુશીલ પણ ઘર છોડીને જતો રહ્યો હતો. થોડા સમય સુધી સુશીલે પત્નીને રૂપિયા મોકલાવ્યા હતા અને પુત્રનો અભ્યાસનો ખર્ચ પણ મોકલાવ્યો હતો. ત્યારબાદ તે ભિક્ષુકની
જિદગી પસાર કરવા લાગ્યો હતો. અલગ અલગ જગ્યાએ રખડ્યા બાદ ભીખ માંગીને એકત્ર કરેલા રૂપિયાથી પત્ની અને પુત્રને ભરણપોષણ આપતો હતો. ખભે થેલો અને ફાટેલા કપડા સાથે આજે કોર્ટમાં આવેલા સુશીલને જોઈને
સૌકોઈ આヘર્ય પામ્યા હતા. કોર્ટમાં કેસની ટ્રાયલ શરૂ થતાની સાથે જ સુશીલે પોતાના થેલામાંથી ૯ હજારની ચલણી નોટો આપી હતી અને બીજા એક હજાર રૂપિયાના ૧, ૨, ૫ અને ૧૦ના સિક્કા સહિતની ચિલ્લર એકત્ર કરીને કોર્ટ સમક્ષ રજૂ કરી પત્નીને ભરણપોષણ તરીકે આપી હતી. આ જોઈને ત્યાં હાજર સૌકોઈ અચરજ પામ્યા હતા. પહેલા તો મીનાબેને આ ચિલ્લર જ સ્વીકારવાની ના પાડી દીધી હતી.
પરંતુ ચિલ્લર પણ ભારતીય અર્થતંત્રનું ચલણ છે જેના કારણે તેને ગણકારી શકાય નહીં તેમ ટાંકીને કોર્ટે ચિલ્લર પણ સ્વીકારવા તાકીદ કરી હતી. આ અંગે માહિતી આપતા વકીલ યોગેશ પટેલે જણાવ્યું હતું કે, પત્નીના ચાલ્યા ગયા બાદ સુશીલ એકલવાયું જીવન જીવતો હતો અને છેલ્લા બે-અઢી વર્ષથી તે આવી રીતે જ ભિક્ષુકનું જીવન પસાર કરે છે. અગાઉ પણ એક સમયે સુશીલે ચિલ્લર એકત્ર કરીને પત્નીને ભરણપોષણ ચૂકવ્યું હતું
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
