તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
તનુશ્રી દત્તાએ નાના પાટેકરના મોત પર વિવાદાસ્પદ નિવેદનથી સોશ્યલ મીડિયામાં વિવાદ: અભિનેત્રીએ લાઈવ આવીને પોતાનો પક્ષ રજૂ કર્યો
તેણે જણાવ્યું કે મારી જિંદગી બરબાદ કરનાર વ્યક્તિ વિશે ખરાબ બોલવામાં મને કોઈ અફસોસ નથી. આટલું જ નહીં પણ તનુશ્રીએ નાના પાટેકરને રાક્ષસ કહીને સંબોધન કર્યું હતું

મુંબઈ :બોલિવૂડ અભિનેતા નાના પાટેકરના અવસાન બાદ અભિનેત્રી તનુશ્રી દત્તા ફરી એકવાર ચર્ચામાં આવી છે.તનુશ્રીએ નાના પાટેકર માટે 'ઈવિલ ડેડ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ નિવેદન સામે આવતા જ સોશિયલ મીડિયા પર તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. તો કેટલાક લોકો અભિનેત્રીના સમર્થનમાં પણ ઊભા રહ્યા છે. હવે તનુશ્રીએ પોતે સોશિયલ મીડિયા પર લાઈવ આવીને લોકો સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
તનુશ્રીએ વીડિયો શેર કરીને જણાવ્યું કે તે અત્યારે ઉજ્જૈન દર્શન કરવા આવી છે. તેણે કહ્યું કે લોકો તેને ખોટી રીતે ટ્રોલ કરી રહ્યા છે. જે માણસે મારી આખી જિંદગી બરબાદ કરી નાખી, ગુંડાઓ મોકલીને મને ખૂબ હેરાન કરી અને મને ડિપ્રેશન તેમજ એન્ઝાઈટી આપી, તેના પ્રત્યે હું કેવીરીતે કોઈ સહાનુભૂતિ રાખી શકું છું. તેણે મારી કારકિર્દી ખતમ કરી નાખી. અભિનેત્રીએ કહ્યું કે, તે એકલો નહોતો પરંતુ તેની પાછળ આખું શેતાનોનું ટોળું હતું. મેં તેને 'ઈવિલ ડેડ' એટલે કે 'શેતાન ગયો' કહ્યો, તેમાં આટલો મોટો હોબાળો કેમ કરવામાં આવ્યો.
અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેણે આ વાત મીડિયાનું ધ્યાન ખેંચવા માટે કહી હતી. જોકે સદનસીબે મીડિયાએ કાર્યક્રમ પર જ ફોકસ રાખ્યું અને તેનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. તેણે કહ્યું કે હું ભગવાનનો આભાર માનું છું કે આ પનોતીનો પડછાયો મારા કાર્યક્રમ પર ન પડ્યો. તે વ્યક્તિ જતાં જતાં પણ મને ટ્રોલ કરાવી ગયો. કેટલાક લોકોના આત્મા એટલા કાળા અને નકારાત્મક હોય છે કે તેઓ અન્યોને હેરાન કરીને પોતાની જાતને શક્તિશાળી માને છે.
મૃત્યુ પછી કોઈના વિશે ખરાબ ન બોલવાની સલાહ આપનારા લોકોને તનુશ્રીએ આડે હાથ લીધા છે. તેણે સવાલ પૂછ્યો કે જો ખરાબ વ્યક્તિ વિશે ન બોલાય તો લોકો હજારો વર્ષો પછી પણ રાવણનું પૂતળું કેમ બાળે છે. લંકા દહન થયું ત્યારે શું ત્યાં શ્રદ્ધાંજલિ અપાઈ હતી. મારા ધર્મે શીખવ્યું છે કે શેતાન જીવતેજીવ પણ શેતાન રહે છે અને મર્યા પછી પણ શેતાન જ ગણાય છે. તેણે જે લોકો સાથે અન્યાય કર્યો તેમની માફી પણ નથી માંગી. આવા પાપી માણસને નરકમાં જ જગ્યા મળવી જોઈએ.
આ વિવાદમાં નાના પાટેકરના પ્રશંસકો તનુશ્રીના આ વીડિયો પર ભારે રોષ ઠાલવી રહ્યા છે. ઘણા લોકોએ કમેન્ટ્સ કરીને અભિનેત્રીની આકરી ટીકા કરી છે. પ્રશંસકોનું કહેવું છે કે કોઈ વ્યક્તિના ગયા પછી આવું ઝેર ઓકવું યોગ્ય નથી. કેટલાક યુઝર્સે એવો કટાક્ષ પણ કર્યો કે નાના પાટેકર જતાં જતાં પણ તનુશ્રીને લાઈમલાઈટ અપાવી ગયા છે. બંને પક્ષે સોશિયલ મીડિયા પર આ મુદ્દે જોરદાર ઘમાસાણ ચાલી રહ્યું છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
