તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
SRH ની માલકિન કાવ્યા મારન મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ સાથે સાત ફેરા લેશે :લગ્નની ભવ્ય તૈયારી
લગ્ન સંબંધ અંગે અનિરુદ્ધના કાકા વાય. જી. મહેન્દ્રને ખુલાસો કર્યો કે પરિવારની હાજરીમાં લગ્નની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે, જેનાથી ફેન્સમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

તમિલ સિનેમા અને બોલિવૂડમાં પોતાના ધમાકેદાર મ્યુઝિકથી ધૂમ મચાવનાર પ્રખ્યાત કમ્પોઝરના લગ્નને લઈને સૌથી મોટા અહેવાલ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ અફવાઓનો અંત લાવતા, મ્યુઝિક ડાયરેક્ટર અને Anirudh Ravichander Kavya Maran ના લગ્નની ખબરો પર આખરે તેમના જ પરિવારના સભ્યએ સત્તાવાર મહોર લગાવી દીધી છે.
સાઉથ સિનેમાની ફિલ્મોથી લઈને શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ 'જવાન' માં પોતાના સંગીતનો જાદુ વિખેરનાર અનિરુદ્ધ રવિચંદર અને આઈપીએલ (IPL) ની પ્રખ્યાત ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદની માલકિન કાવ્યા મારનના અફેરની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી હતી . બંને ઘણીવાર સ્ટેડિયમમાં અથવા હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ્સમાં એકસાથે જોવા મળતા હતા, જેને લઈને મીડિયામાં સતત અટકળો લગાવવામાં આવતી હતી. જો કે, અગાઉ અનિરુદ્ધે આ અહેવાલોને માત્ર અફવા ગણાવીને ફગાવી દીધા હતા.
પરંતુ હવે આ સંબંધ પર ખુદ અનિરુદ્ધના સગા કાકા અને વરિષ્ઠ તમિલ અભિનેતા વાય. જી. મહેન્દ્રને જાહેરમાં મોટો ખુલાસો કર્યો છે. તેમણે કન્ફર્મ કર્યું છે કે બંને પરિવારોની સહમતિથી કાવ્યા મારન અને અનિરુદ્ધના લગ્ન લેવાઈ રહ્યા છે. આ જાહેરાત બાદ ક્રિકેટ જગત અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ફેન્સમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે, કારણ કે આ જોડીને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
વાય. જી. મહેન્દ્રને મનોરંજન ચેનલ 'KPTV' ને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં પોતાના ભત્રીજાના લગ્નની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, "અનિરુદ્ધ ખૂબ જ નમ્ર અને સોફ્ટ સ્વભાવનો છોકરો છે. અત્યારે તેના લગ્નની ભવ્ય તૈયારીઓ બેકગ્રાઉન્ડમાં ચાલી રહી છે." તેમણે અનિરુદ્ધને આગોતરી શુભકામનાઓ પાઠવતા ઉમેર્યું કે, તે ખૂબ જ મોટા અને પ્રતિષ્ઠિત પરિવારમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. મને પરિવારના અત્યંત નજીકના સભ્યો પાસેથી આ લગ્નની સત્તાવાર પુષ્ટિ મળી છે.
ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે પોતાની થનારી પુત્રવધૂ કાવ્યા મારનની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, "કાવ્યા કોઈ સામાન્ય છોકરી નથી. તેનામાં સનરાઇઝર્સ હૈદરાબાદ જેવી આખી આઈપીએલ ટીમને ખૂબ જ સફળતાપૂર્વક સંભાળવાની અદ્ભુત કાબિલિયત છે. તેને બિઝનેસની આ કોઠાસૂઝ અને સમજણ તેના પિતા કલાનિધિ મારન પાસેથી વારસામાં મળી છે." તેમણે આશા વ્યક્ત કરી કે આ બંનેની જોડી ભવિષ્યમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના બિઝનેસમાં પણ એક નવો ઇતિહાસ રચશે.
બહુ ઓછા લોકો જાણે છે કે અનિરુદ્ધ રવિચંદરનો પરિવાર સાઉથ ઇન્ડસ્ટ્રીના સૌથી શક્તિશાળી પરિવારોમાંથી એક છે. અનિરુદ્ધ સાઉથના દિગ્ગજ કલાકાર રવિ રાઘવેન્દ્રનો પુત્ર છે, જ્યારે તેની માતા લક્ષ્મી એક પ્રખ્યાત ક્લાસિકલ ડાન્સર છે. આ સિવાય, ઇન્ડસ્ટ્રીના થલાઇવા એટલે કે સુપરસ્ટાર રજનીકાંતની પત્ની લતા રવિચંદર સંબંધમાં અનિરુદ્ધની માસી થાય છે . આ નાતે રજનીકાંત સંબંધમાં અનિરુદ્ધના માસા લાગે છે.
અનિરુદ્ધે અત્યાર સુધી રજનીકાંત, કમલ હાસન, જુનિયર એનટીઆર અને થલપતિ વિજય જેવા સુપરસ્ટાર્સની બ્લોકબસ્ટર ફિલ્મોમાં મ્યુઝિક આપીને પોતાને દેશનો સૌથી મોંઘો મ્યુઝિક કમ્પોઝર સાબિત કર્યો છે. જો કે આ હાઈ-પ્રોફાઈલ લગ્નની જાહેરાત બાદ પણ હજુ સુધી અનિરુદ્ધ રવિચંદર કે કાવ્યા મારન તરફથી સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર કોઈ વ્યક્તિગત પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરંતુ કાકાના સત્તાવાર નિવેદન બાદ ફેન્સ હવે લગ્નની તારીખ જાહેર થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
