<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

​મહારાષ્ટ્રમાં દુષ્કાળના કારણે ફિલ્મ 'રામાયણ: પાર્ટ ૧'નો ગીત લોન્ચ કાર્યક્રમ સ્થગિત

​ખેડૂતોની સ્થિતિ ધ્યાને લઈ રામટેક ખાતે નવરાત્રીના પ્રથમ દિવસે યોજાનાર ભવ્ય ઈવેન્ટ રદ્દ કરાઈ; રણબીર કપૂર અને સાઈ પલ્લવી હાજર રહેવાના હતા

​મુંબઈ / રામટેક: નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી અને બોલિવૂડની સૌથી મોટી અને મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક એવી ‘રામાયણ: પાર્ટ ૧’ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના રામટેક ખાતે નવરાત્રીના પાવન પર્વના પ્રથમ દિવસે (૧૧ ઓક્ટોબર) યોજાનાર ફિલ્મનો ભવ્ય સોંગ લોન્ચ (ગીત લોન્ચ) કાર્યક્રમ રાજ્યમાં સર્જાયેલી દુષ્કાળની ગંભીર પરિસ્થિતિને કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

​રામટેકની પવિત્ર ભૂમિ પર યોજાવાનો હતો ભવ્ય કાર્યક્રમ
​પ્રાપ્ત વિગતો અનુસાર, ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણરજથી પવિત્ર થયેલી રામટેકની ભૂમિનું મહત્વ દર્શાવવા અને ફિલ્મનું પ્રથમ ગીત લોન્ચ કરવા માટે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે ફિલ્મમાં શ્રી રામની ભૂમિકા ભજવી રહેલા રણબીર કપૂર, સીતાની ભૂમિકામાં જોવા મળનાર સાઈ પલ્લવી અને અભિનેતા રવિ દુબે સહિતના મુખ્ય કલાકારો હાજર રહેવાના હતા.

​ધારાસભ્ય આશિષ જાયસવાલે આપી માહિતી
​સ્થાનિક ધારાસભ્ય આશિષ જાયસવાલે સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ) પર એક વીડિયો સંદેશ જાહેર કરીને કાર્યક્રમ મુલતવી રાખવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, "હાલ મહારાષ્ટ્ર ગંભીર દુષ્કાળનો સામનો કરી રહ્યું છે અને આવી પરિસ્થિતિમાં દુષ્કાળગ્રસ્ત ખેડૂતોની મદદ કરવી એ અમારી સૌથી પહેલી પ્રાથમિકતા છે."

​તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ અંગે ફિલ્મ ‘રામાયણ’ની ટીમ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને ફિલ્મ નિર્માતાઓએ પણ સંવેદનશીલતા દાખવી ખેડૂતોની મદદ માટે આગળ આવવાની તૈયારી દર્શાવી છે.

​ગીત ઓનલાઈન લોન્ચ થશે કે કેમ તે અંગે સસ્પેન્સ
​ઈવેન્ટ રદ્દ થયા બાદ હવે આ ગીત કોઈ અન્ય દિવસે રિલીઝ કરવામાં આવશે કે પછી તેને ઓનલાઈન માધ્યમથી રિલીઝ કરાશે તે અંગે મેકર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

​ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ અને રવિ દુબે સ્ટારર આ ફિલ્મ દિવાળીના તહેવારો દરમિયાન થીયેટરોમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે.

​

(3:50 PM IST)