News of Saturday, 25th July 2026
લગ્નના બે વર્ષ બાદ શોભિતાએ પતિ માટે બનાવ્યું ડિનર: નાગા ચૈતન્યએ કરી મજાક, તો એક્ટ્રેસે આપ્યો જબરદસ્ત રિપ્લાય!
ઇન્સ્ટાગ્રામ પર ચર્ચામાં આવી ક્યૂટ કપલની કેમિસ્ટ્રી: "આ તું મારી પ્રશંસા કરે છે કે ટ્રોલ?" - શોભિતા ધૂલિપાલાની કમેન્ટ વાયરલ

મુંબઈ : સાઉથ સિનેમાના પોપ્યુલર અને ક્યૂટ કપલ નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલિપાલા સોશિયલ મીડિયા પર પોતાની અનોખી અને રમુજી કેમિસ્ટ્રીને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ આ કપલની એક સોશિયલ મીડિયા પોસ્ટે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં લગ્નના આશરે બે વર્ષ બાદ શોભિતાએ પ્રથમ વખત પતિ નાગા ચૈતન્ય માટે કિચનમાં સ્પેશિયલ ડિનર તૈયાર કર્યું હતું.
નાગા ચૈતન્યએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શોભિતાની એક સુંદર તસવીર શેર કરી હતી. આ કેઝ્યુઅલ લુકવાળી તસવીરમાં શોભિતા હાથમાં બે બાઉલ પકડીને સુંદર સ્મિત આપતી જોવા મળે છે. પોસ્ટ શેર કરતા નાગા ચૈતન્યએ મજાકીયા અંદાજમાં કેપ્શન લખ્યું હતું કે, "લગ્નના આશરે બે વર્ષ પછી વાઇફે મારા માટે ડિનર બનાવ્યું... લાગે છે આજે મેં કંઈક સારું કામ કર્યું હશે!"
પતિની આ રમુજી પોસ્ટ પર શોભિતા ધૂલિપાલાએ પણ તરત જ રમૂજી અંદાજમાં રિએક્શન આપતાં કમેન્ટ સેક્શનમાં પૂછ્યું હતું કે, "આ તું મારા વખાણ કરી રહ્યો છે કે પછી મને ટ્રોલ કરી રહ્યો છે?" સોશિયલ મીડિયા પર આ કપલ વચ્ચેની આવી ક્યૂટ નોકઝોંક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને ફેન્સ આ પોસ્ટ પર સતત પ્રેમ વરસાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૪માં સગાઈ કર્યા બાદ બંનેએ ડિસેમ્બર ૨૦૨૪માં ધામધૂમથી લગ્ન કર્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો, શોભિતા ટૂંક સમયમાં પા. રંજિતના નિર્દેશનમાં બની રહેલી તમિલ સાયન્સ-ફિક્શન ફિલ્મ 'વેટ્ટુવમ'માં જોવા મળશે. જ્યારે નાગા ચૈતન્ય તેની આગામી મચ-અવેટેડ ફિલ્મ 'વૃષકર્મા'ની રિલીઝની તૈયારી કરી રહ્યો છે, જેમાં મીનાક્ષી ચૌધરી પણ મહત્વની ભૂમિકામાં છે.
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
