તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
સિનેમા જગતનો રિયલ લાઈફ હીરો: નાના પાટેકરે ૧.૫ કરોડની લક્ઝરી કાર ખરીદવાનું છેલ્લી ઘડીએ માંડી વાળ્યું, એ જ રકમથી આત્મહત્યા કરનાર ખેડૂતોના પરિવારોનું આંસુ લૂછ્યું!
રણબીર પુષ્પનો મોટો ખુલાસો: સેટ પર ગુસ્સા માટે જાણીતા અભિનેતાનું સંવેદનશીલ પાસું બહાર આવ્યું, ગરીબ ખેડૂત પરિવારો માટે ₹૧૫,૦૦૦ ના ચેક બનાવીને વહેંચ્યા

મુંબઈ, તા.૧૬: પોતાના કડક અને સ્પષ્ટવક્તા સ્વભાવથી જાણીતા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર રીલ લાઈફમાં જ નહીં પણ રિયલ લાઈફમાં પણ ખરા અર્થમાં 'હીરો' છે. તાજેતરમાં પ્રખ્યાત લેખક રણબીર પુષ્પે નાના પાટેકરના જીવનનો એક એવો અજાણ્યો અને હૃદયસ્પર્શી કિસ્સો શેર કર્યો છે, જેણે આ મહાન કલાકાર પ્રત્યે લોકોનું માન હજાર ગણું વધારી દીધું છે. રણબીરે ખુલાસો કર્યો કે કેવી રીતે નાના પાટેકરે પોતાના માટે ૧.૫ કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદવાને બદલે તે તમામ રકમ ખેડૂતોના આત્મહત્યાથી પ્રભાવિત પરિવારોને મદદ કરવા માટે વાપરી નાખી હતી.
૧૯૯૬ની સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'અગ્નિ સાક્ષી'માં નાના પાટેકર સાથે કામ કરી ચૂકેલા રણબીરે અભિનેતા પર લાગતા ગુસ્સાના આક્ષેપો ફગાવતા તેમનો મજબૂત બચાવ કર્યો હતો. તેમણે જણાવ્યું કે લોકો માત્ર તેમનો ઉગ્ર મિજાજ જુએ છે, પણ સેટની બહાર તેઓ કેટલા અત્યંત સંવેદનશીલ અને દરિયાદિલ માનવી છે તે કોઈ જોતું નથી.
કાર ખરીદવાની આગલી રાત્રે સમાચાર જોયા અને નિર્ણય બદલાઈ ગયો
રણબીરે સિદ્ધાર્થ કન્નન સાથેના ઇન્ટરવ્યુમાં તે ઘટના યાદ કરતા કહ્યું કે, એક દિવસે નાના પાટેકર બીજા જ દિવસે ૧.૫ કરોડ રૂપિયાની મોંઘાદાટ કાર ખરીદવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ તે જ રાત્રે તેમણે ટીવી પર સમાચાર જોયા જેમાં દેવાના બોજ તળે દબાઈને આત્મહત્યા કરનારા ખેડૂતોના પરિવારો રડી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને નાનાનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે તરત જ કાર ખરીદવાનો પ્લાન રદ કરી દીધો.
દરેક પીડિત પરિવારને ₹૧૫,૦૦૦ ના ચેક પહોંચાડ્યા
નાનાએ તાત્કાલિક પોતાના એક કલાકાર મિત્રને ફોન કર્યો અને આત્મહત્યા કરનાર ખેડૂતોના પરિવારો માટે ₹૧૫,૦૦૦ ના અલગ-અલગ ચેક તૈયાર કરવા કહ્યું. તેમણે પોતાની કાર માટે રાખેલા કરોડો રૂપિયા આ પરિવારોમાં વહેંચી દીધા. લેખક રણબીરે કહ્યું કે, "જે વ્યક્તિ ગરીબ ખેડૂતોના આંસુ લૂછવા પોતાના સપના કુરબાન કરી દે, તે ક્યારેય કોઈનું ખરાબ કરી શકે નહીં."
આ જ સંવેદનશીલતામાંથી પાછળથી નાના પાટેકરે 'નામ ફાઉન્ડેશન' (NAAM Foundation) ની સ્થાપના કરી, જે આજે પણ મહારાષ્ટ્રના હજારો પીડિત ખેડૂતો અને તેમના બાળકોને શિક્ષણ તથા આર્થિક સહાય પૂરી પાડી રહી છે.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
