<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

વિશ્વ સિનેમામાં 'રામાયણ'નો ઐતિહાસિક ડંકો: 'અવતાર 2' અને 'એવેન્જર્સ: એન્ડગેમ'ને પછાડી 57,000 સ્ક્રીન્સ સાથે બની વિશ્વની સૌથી મોટી રિલીઝ : 8 દિવસમાં ₹1033 કરોડની કમાણી

100થી વધુ દેશો અને 40થી વધુ ભાષાઓમાં રિલીઝ થઈને ભારતીય ફિલ્મે રચ્યો નવો વિશ્વ રેકોર્ડ : બોક્સ ઓફિસ પર સતત સાત દિવસ ₹100 કરોડથી વધુનો બિઝનેસ કર્યા બાદ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં 11મા સ્થાને પહોંચી

મુંબઈ:  ભારતીય સિનેમાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવી સિદ્ધિ હાંસલ કરતાં 'રામાયણ' ફિલ્મે વૈશ્વિક સ્તરે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. બોક્સ ઓફિસ પર કમાણીના તમામ સમીકરણો બદલી નાખનાર આ ફિલ્મે હોલીવુડની દિગ્ગજ ફિલ્મો 'અવતાર: ધ વે ઓફ વોટર' અને 'એવેન્જર્સ: એન્ડગેમ'ને પણ પાછળ છોડીને વિશ્વ સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થનારી ફિલ્મ બનવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. 100થી વધુ દેશો અને 40થી વધુ ભાષાઓમાં રજૂ થયેલી 'રામાયણ' વિશ્વભરમાં 57,000 સ્ક્રીન્સ પર પ્રદર્શિત થઈ છે, જે આજ સુધી કોઈ પણ બોલીવુડ કે હોલીવુડ ફિલ્મ માટે અકલ્પનીય આંકડો હતો.

સ્ક્રીન કાઉન્ટની સરખામણીમાં 'રામાયણ'ની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અગાઉ વિશ્વની સૌથી મોટી રિલીઝ ગણાતી 'અવતાર: ધ વે ઓફ વોટર' 52,000 સ્ક્રીન્સ પર અને 'એવેન્જર્સ: એન્ડગેમ' 46,000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી, જ્યારે 'ડ્યુન 2' 28,300 સ્ક્રીન્સ સાથે ચોથા ક્રમે રહી હતી. આ તમામ ઓલટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મોને મોટા માર્જિનથી પછાડીને 'રામાયણ'એ સાબિત કરી દીધું છે કે ભારતીય સંસ્કૃતિ અને મહાકાવ્યની પહોંચ સમગ્ર વિશ્વમાં કેટલી વ્યાપક છે.

કમાણીના મોરચે પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર ત્સુનામી સર્જી છે. SACNILCના તાજા અહેવાલ મુજબ, રિલીઝના પ્રથમ સાત દિવસ સુધી દરરોજ ₹100 કરોડથી વધુનો વકરો કર્યા બાદ આઠમા દિવસે ફિલ્મે ₹89 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે જ માત્ર 8 દિવસમાં ફિલ્મનું ભારતીય નેટ કલેક્શન ₹564.60 કરોડ, ગ્રોસ કલેક્શન ₹675.05 કરોડ અને વિદેશી (ઓવરસીઝ) કલેક્શન ₹358.50 કરોડ પર પહોંચી ગયું છે. કુલ ₹1033.55 કરોડની વિશ્વવ્યાપી કમાણી સાથે 'રામાયણ' હવે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોની યાદીમાં 11મા સ્થાને બિરાજમાન થઈ ગઈ છે.

(9:55 PM IST)