News of Thursday, 7th May 2026
રામાયણના 'દશરથ' અને 'કૌશલ્ય' ખરેખર પતિ-પત્ની હતા! ૩૮ વર્ષ જૂના રહસ્ય પરથી ઉચકાયો પડદો, જાણો રીલ લાઇફમાં ભગવાન રામના માતા-પિતા બનનારા આ કલાકારો કોણ છે?
રામાનંદ સાગરની રામાયણના આ બે દિગ્ગજ કલાકારોના લગ્ન જીવનની વાત જાણીને ચાહકો થયા આશ્ચર્યચકિત: પડદા પર રાજા દશરથ અને માતા કૌશલ્યનું પાત્ર ભજવીને લોકોની આસ્થા જીતનારા કલાકારોની અનોખી પ્રેમ કહાની

મુંબઈ,: રામાનંદ સાગરની પૌરાણિક ધારાવાહિક 'રામાયણ' આજે પણ ભારતીય ટેલિવિઝન ઇતિહાસમાં સૌથી વધુ જોવાયેલું અને આદરણીય શો માનવામાં આવે છે. આ શોના કલાકારોને લોકો આજે પણ ભગવાનની જેમ પૂજે છે. પછી તે રામ બનેલા અરુણ ગોવિલ હોય કે સીતાના પાત્રમાં દીપિકા ચીખલીયા. પરંતુ શું તમે જાણો છો કે આ સિરિયલમાં એક એવી જોડી પણ હતી જે માત્ર પડદા પર જ નહીં પણ અસલ જિંદગીમાં પણ પતિ-પત્ની હતી?
રીલ લાઈફના સંબંધો રિયલ લાઈફમાં પણ
આપણે વાત કરી રહ્યા છીએ રામાયણમાં રાજા દશરથની ભૂમિકા ભજવનાર અભિનેતા બાલ ધુરીની. બાલ ધુરી મરાઠી સિનેમાના જાણીતા કલાકાર રહ્યા છે. રામાયણમાં રાજા દશરથને ત્રણ પત્નીઓ બતાવવામાં આવી હતી, પરંતુ તેમાંથી એક પાત્ર એવું હતું જે તેમની વાસ્તવિક પત્નીએ જ ભજવ્યું હતું. શોમાં રામના માતા કૌશલ્યનું પાત્ર ભજવનાર અભિનેત્રી જયશ્રી ગડકર હકીકતમાં બાલ ધુરીના ધર્મપત્ની હતા.
મરાઠી સિનેમાના સુપરસ્ટાર હતા આ કલાકારો
બાલ ધુરી અને જયશ્રી ગડકર બંને મરાઠી ફિલ્મ ઉદ્યોગના મોટા નામ હતા. જયશ્રી ગડકરે અનેક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવી હતી. જ્યારે બાલ ધુરીએ 'જય બજરંગ બલી' (૧૯૭૬), 'ધ ગ્રેટ મરાઠા' (૧૯૯૪) અને 'તેરે મેરે સપને' (૧૯૯૬) જેવી લોકપ્રિય ફિલ્મોમાં અભિનય કર્યો હતો. પડદા પર આ જોડીએ જે ગંભીરતા અને પ્રેમથી માતા-પિતાના પાત્રો ભજવ્યા હતા, તેની પાછળનું એક મુખ્ય કારણ તેમનું વાસ્તવિક જીવનનું મધુર લગ્નજીવન પણ હતું.
ભક્તિ અને આસ્થાનું પ્રતીક
આજે પણ જ્યારે રામાયણની ચર્ચા થાય છે, ત્યારે આ જોડીનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. એ જમાનામાં લોકો આ કલાકારોને સાક્ષાત્ ભગવાન માનીને તેમના ચરણસ્પર્શ કરતા હતા. મમતા અને ત્યાગની મૂર્તિ સમાન કૌશલ્ય અને પુત્રવિયોગમાં પ્રાણ ત્યાગનાર દશરથના આ પાત્રોએ દર્શકોની આંખો ભીની કરી દીધી હતી. ભાગ્યે જ કોઈ શો હશે જેણે રામાયણ જેવી લોકપ્રિયતા અને આસ્થા મેળવી હોય. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચાહકો ફરી એકવાર આ જૂની યાદો તાજી કરી રહ્યા છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
