તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
રાકેશ બેદીની ‘ધુરંધર’ સ્પષ્ટતા: “જો મને ₹1 કરોડનું બોનસ મળ્યું હોય, તો કોઈ પ્લીઝ મને જણાવો કે એ ક્યાં પડ્યા છે!”; અફવાઓ પર અભિનેતાની ફની પ્રતિક્રિયા
‘ધુરંધર 2’ ના પ્રોડ્યુસર્સે માલામાલ કર્યા હોવાની વાતોને ‘જમીલ જમાલી’એ ફગાવી; કહ્યું— “મારા એકાઉન્ટમાં તો હજુ ફૂટી પાઈ પણ નથી આવી”

મુંબઈ : તાજેતરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર ફિલ્મ ‘ધુરંધર 2’ ની સફળતા બાદ સોશિયલ મીડિયા પર એવી અફવાઓ વહેતી થઈ હતી કે ફિલ્મના નિર્માતાઓએ પીઢ અભિનેતા રાકેશ બેદીને ₹1 કરોડનું માતબર બોનસ આપ્યું છે. જોકે, રાકેશ બેદીએ શુક્રવારે પોતાના ખાસ અંદાજમાં આ અહેવાલો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ફિલ્મમાં રાજકારણી જમીલ જમાલીની યાદગાર ભૂમિકા ભજવનાર અભિનેતાએ મજાકિયા લહેજામાં કહ્યું કે આવી કોઈ રકમ તેમના ખાતા સુધી પહોંચી જ નથી.
“પૈસા કોના ખિસ્સામાં પડ્યા છે?”
વાયરલ થઈ રહેલી અફવાઓનો જવાબ આપતા રાકેશ બેદીએ હસતા હસતા કહ્યું, “ઘણા લોકો મને કહી રહ્યા છે કે પ્રોડક્શન હાઉસ તરફથી મને 1 કરોડ રૂપિયા મળ્યા છે. તો ભાઈ, એ પૈસા ક્યાં પડ્યા છે? કોની જેબમાં છે? મને કોઈ જણાવી દો યાર, જેથી હું જઈને લઈ આવું! કારણ કે મારા બેંક એકાઉન્ટમાં તો હજુ સુધી આવું કંઈ જ દેખાયું નથી.” તેમણે સ્પષ્ટ કર્યું કે જો ભવિષ્યમાં ખરેખર આવું કંઈ મળશે, તો તે કદાચ જાહેર કરશે, પણ હાલમાં આ વાત માત્ર એક અફવા છે.
૧૦૦૦ કરોડની ક્લબ તરફ ‘ધુરંધર 2’
૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં આવેલી આ ફિલ્મ ૨૦૨૫ ની સુપરહિટ જાસૂસી ડ્રામાની સિક્વલ છે. આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં રણવીર સિંહ એક ગુપ્તચર અધિકારી તરીકે હાઈ-વોલ્ટેજ મિશન પર જોવા મળે છે. ફિલ્મમાં સંજય દત્ત, અર્જુન રામપાલ અને આર. માધવન જેવા દિગ્ગજોની મજબૂત સ્ટારકાસ્ટ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા ક્રાઈમ નેટવર્ક અને આતંકવાદ વિરોધી ઓપરેશનની આ વાર્તાને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.
રાકેશ બેદીનું ‘પોલિટિકલ’ કમબેક
વર્ષોથી કોમેડી અને કેરેક્ટર રોલ્સમાં પોતાની છાપ છોડનાર રાકેશ બેદીએ આ ફિલ્મમાં ગંભીર રાજકારણીની ભૂમિકા ભજવીને બધાને ચોંકાવી દીધા છે. તેમની એક્ટિંગની પ્રશંસા ચારે બાજુ થઈ રહી છે, જેના કારણે જ કદાચ તેમના બોનસની વાતોએ જોર પકડ્યું હતું. હાલમાં તો રાકેશ બેદીના આ રમૂજી નિવેદને સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી લીધું છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
