<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

શાહરૂખ ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'કિંગ'નું દમદાર ટીઝર રિલીઝ: લોહીથી લથપથ ચહેરો અને દાંતમાં પત્તા સાથે 'કિંગ ખાન'નો ખૌફનાક રફ-એન્ડ-ટફ અવતાર વાયરલ

'એકલો રાજા જ કાફી છે!': સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં સુહાના ખાન, અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણ મચાવશે ધમાલ, ડિસેમ્બરમાં સિનેમાઘરોમાં થશે વિસ્ફોટ

મુંબઈ : બોલિવૂડના 'કિંગ' અર્થાત્ શાહરૂખ ખાનની આગામી મોસ્ટ અવેઇટેડ એક્શન-થ્રિલર ફિલ્મ 'કિંગ' (King) નો નવો ધમાકેદાર ટીઝર પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. ટીઝર સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચાહકો વચ્ચે ભારે રોમાંચ ફેલાઈ ગયો છે. આ ટૂંકા પણ પાવર-પેક્ડ ટીઝરમાં શાહરૂખ ખાનનો અત્યાર સુધીનો સૌથી ઉગ્ર, હિંસક અને ખૌફનાક અવતાર જોવા મળી રહ્યો છે, જેને જોઈને સિનેપ્રેમીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

 

ટીઝરમાં શાહરૂખ ખાનનો લુક અત્યંત પ્રભાવશાળી અને રોમાંચક છે. તેના હોઠ અને ચહેરો લોહીથી લથપથ દેખાય છે, જ્યારે તેના દાંત વચ્ચે 'કિંગ ઓફ સ્પેડ્સ' (કાળીનો એક્કો) નું પ્લેઇંગ કાર્ડ પકડાયેલું નજરે પડે છે. ટીઝરના એક દ્રશ્યમાં શાહરૂખ બરફથી ઢંકાયેલા ઊંચા પર્વતની ટોચ પર લોહીથી ખરડાયેલા સફેદ શર્ટમાં ઘાયલ હાલતમાં ઉભેલો જોવા મળે છે, જ્યારે બીજા દ્રશ્યમાં તે પીળા જેકેટ અને આકર્ષક ચશ્મા સાથે તેની સિગ્નેચર સ્ટાઇલમાં નજરે પડે છે. સ્ક્રીન પર શાહરૂખની આઈકોનિક ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' ના સુપ્રસિદ્ધ સંવાદની યાદ અપાવતા "પિક્ચર અભી બાકી હૈ!" અને સાથે જ "એકલો રાજા જ કાફી છે!" જેવા પાવરફુલ સંદેશા પણ ઝળકે છે.

 

ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ પ્રોજેક્ટ બોલિવૂડની સૌથી મોટી મલ્ટી-સ્ટારર ફિલ્મોમાંથી એક બનવા જઈ રહ્યો છે. જાણીતા ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે તેની પુત્રી સુહાના ખાન, અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર, જેકી શ્રોફ, રાની મુખર્જી, જયદીપ અહલાવત, અરશદ વારસી અને રાઘવ જુયાલ જેવા દિગ્ગજ કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

 

રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને માર્ફ્લિક્સ પિક્ચર્સના સંયુક્ત બેનર હેઠળ ગૌરી ખાન, સિદ્ધાર્થ આનંદ અને મમતા આનંદ દ્વારા નિર્મિત આ ફિલ્મ ૨૪ ડિસેમ્બર, ૨૦૨૬ ના રોજ ક્રિસમસની મોસમમાં વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ટીઝરે દર્શકોમાં ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા બેગણી કરી દીધી છે.

(11:50 PM IST)