તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
ક્રાઈમ થ્રિલરના શોખીનો માટે ઓટીટી પ્લેટફોર્મ પર સર્જાયો નવો ઈતિહાસ: માત્ર બે જ સપ્તાહમાં ૬૦ દેશોના ટોપ-૧૦ લિસ્ટમાં સ્થાન મેળવીને વૈશ્વિક સ્તરે ડંકો વગાડતી નવી ભારતીય વેબ સિરીઝ
વર્ષ ૧૯૭૮ના ચકચારી 'રંગા બિલ્લા' હત્યાકાંડની સત્ય ઘટના પર આધારિત ૮ એપિસોડની 'રાખ' સિરીઝ પ્રાઇમ વિડિયો પર નોન-ઇંગ્લિશ કેટેગરીમાં દુનિયાભરમાં નંબર-૧ પર ટ્રેન્ડ થઈ, સોનાલી બેન્દ્રે અને અલી ફઝલના દમદાર અભિનય તેમજ આઇએમડીબી પર ૭.૮ રેટિંગ સાથે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

નવી દિલ્હી ડિજિટલ મનોરંજનની દુનિયામાં દર અઠવાડિયે અસંખ્ય ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થતી હોય છે, પરંતુ તેમાંથી બહુ ઓછી કૃતિઓ વૈશ્વિક સ્તરે દર્શકોના દિલ જીતવામાં સફળ રહે છે. ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર બે અઠવાડિયા પહેલાં રિલીઝ થયેલી એક ભારતીય ક્રાઈમ થ્રિલર સિરીઝે ઇન્ટરનેટ પર સન્સેશન મચાવી દીધું છે. પ્રોસિત રોયના દિગ્દર્શનમાં બનેલી ૮ એપિસોડની વેબ સિરીઝ 'રાખ' (Raakh) હાલમાં નોન-ઇંગ્લિશ કેટેગરીમાં સમગ્ર વિશ્વમાં નંબર-૧ ના સ્થાને પહોંચી ગઈ છે. આ સિરીઝ છેલ્લા બે વર્ષમાં ભારતમાં પ્રાઇમ વિડિયોની સૌથી મોટી ઓરિજિનલ સિરીઝ ડેબ્યૂ તરીકે ઉભરી આવી છે, જેને વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૧૨ જૂનના રોજ વિશ્વભરમાં પ્રસારિત થયેલી આ સિરીઝ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ૨૩ દેશોમાં નંબર-૧ પર ટ્રેન્ડ કરી રહી છે, જ્યારે વિશ્વના ૬૦ થી વધુ દેશોના ટોપ-૧૦ ચાર્ટમાં તેણે મજબૂત પકડ બનાવી લીધી છે. હાલમાં ભારત સહિત વિશ્વના ૨૪૦ થી વધુ દેશો અને પ્રદેશોમાં સ્ટ્રીમ થઈ રહેલી આ સિરીઝને લોકપ્રિય રેટિંગ પ્લેટફોર્મ આઇએમડીબી (IMDb) પર ૭.૮ જેટલો શાનદાર રેટિંગ સ્કોર પ્રાપ્ત થયો છે, જે તેની લોકપ્રિયતા અને ગુણવત્તાની સાક્ષી પૂરે છે.
દિલ ધ્રુજાવી દેતી સત્ય ઘટના પર આધારિત વાર્તા
આ વેબ સિરીઝની સૌથી મોટી વિશેષતા એ છે કે તેની વાર્તા કોઈ કાલ્પનિક ઘટના પર નહીં, પરંતુ ભારત દેશને હચમચાવી મૂકનારા વર્ષ ૧૯૭૮ના કુખ્યાત 'રંગા બિલ્લા કેસ' (Ranga Billa Case) પર આધારિત છે. આ કેસમાં ગુનેગારોએ ચોરી, અપહરણ અને અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા જેવા જઘન્ય ગુના આચર્યા હતા, જે બાદ તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી. દિગ્દર્શકે આ ૮ એપિસોડના ક્રાઈમ ડ્રામામાં અપરાધ, નૈતિકતા અને ન્યાય પ્રણાલીની વચ્ચેના જટિલ સંબંધોની સાથે-સાથે પોતાના સ્વજનોને ગુમાવનારા પરિવારના દર્દને અત્યંત સંવેદનશીલ અને રોમાંચક રીતે પડદા પર રજૂ કર્યું છે. સિરીઝનો ક્લાઈમેક્સ એટલો જોરદાર છે કે તે દર્શકોના રૂંવાડા ઉભા કરી દે છે.
કલાકારોના અભિનયની ચોમેર પ્રશંસા
વાર્તાની સાથે-સાથે આ સિરીઝમાં મુખ્ય ભૂમિકા ભજવનારા કલાકારોના અભિનયના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. અભિનેતા અલી ફઝલે આ સિરીઝમાં પોતાના કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હોવાનું વિવેચકો માની રહ્યા છે. લાંબા સમય પછી કમબેક કરનારી અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ એક દુઃખી માતૃત્વની પીડાને જીવંત કરી છે, જ્યારે આમિર બશીરે એક ભાંગી પડેલા પિતાની ભાવનાત્મક ભૂમિકા સુંદર રીતે ભજવી છે. આ ઉપરાંત વાર્તાના ખલનાયકો એટલે કે 'બાબુ' અને 'રજ્જો'ના પાત્રો ભજવનારા કલાકારો આકાશ મખીજા અને રમનદીપ યાદવે સ્ક્રીન પર એટલો ભયાનક નકારાત્મક અભિનય કર્યો છે કે સોશિયલ મીડિયા પર દર્શકોમાં તેમની ચર્ચા થઈ રહી છે. સિરીઝના અન્ય કલાકારો દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, રાકેશ બેદી, અંશુલ ચૌહાણ અને દિવ્યા શર્માએ પણ પોતાના પાત્રોને સંપૂર્ણ ન્યાય આપ્યો છે.
ફિલ્મ સમીક્ષકો અને ફિલ્મ ઉદ્યોગના નિષ્ણાતોના મતે, 'રાખ' સિરીઝે ભારતીય ઓટીટી સ્પેસમાં ક્રાઈમ થ્રિલર શૈલી માટે એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે અને વૈશ્વિક સ્તરે હોલિવૂડની સિરીઝને પણ જોરદાર ટક્કર આપી છે.
(5:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
