તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
મિર્ઝાપુર ધ મુવી ફર્સ્ટ હાફ રીવ્યુ ડ્રામા દુશ્મની અને એક્શનથી ભરપૂર જેમાં અલી ફઝલ અને દિવ્યેન્દુએ જમાવ્યો દબદબો
લોકપ્રિય વેબ સિરીઝ બાદ હવે મોટા પડદા પર આવેલી આ ફિલ્મની શરૂઆતમાં જ જબરદસ્ત એક્શન પાવર ગેમ અને શાનદાર કલાકારોની વાપસી જોવા મળી છે

મુંબઈ: ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર ત્રણ સફળ સીઝન પૂર્ણ કર્યા બાદ અત્યંત લોકપ્રિય ફ્રેન્ચાઈઝી 'મિર્ઝાપુર' એ હવે મોટા પડદે પ્રવેશ કર્યો છે. ગુરમીત સિંહ દ્વારા નિર્દેશિત 'મિર્ઝાપુર: ધ મુવી' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે, જેમાં સિરિઝના જૂના અને જાણીતા કલાકારોની સાથે કેટલાક નવા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.
ફિલ્મની શરૂઆત ગૂડ્ડૂ અને બબલુ ભાઈઓના દમદાર અને શાનદાર રીતે કોરિયોગ્રાફ કરાયેલા એકશન સીનથી થાય છે, જે પ્રેક્ષકોને સિરિઝની જાણીતી હિંસા અને તીવ્રતાનો તુરંત અહેસાસ કરાવે છે. પ્રથમ હાફનો મોટા ભાગનો સમય પાત્રોના પરિચય અને તેમની હાલની પરિસ્થિતિને સ્થાપિત કરવામાં વિતાવવામાં આવ્યો છે. પ્રથમ સીઝનના સંદર્ભો પણ કથામાં વણી લેવાયા છે, જે સિરિઝ ન જોનારા લોકોને સમગ્ર કથા સમજવામાં અને જૂના ફેન્સને રિવિઝન કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
ફિલ્મના પ્રથમ હાફમાં ડ્રામા, એકશન, રાજકારણ, પાવર ગેમ અને વ્યાપારિક સ્પર્ધાનું ઉત્કૃષ્ટ મિશ્રણ જોવા મળે છે. ગંભીર અને સસ્પેન્સભરી કથાની વચ્ચે-વચ્ચે હળવો કોમેડી તડકો પણ ઉમેરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતો વાર્તાના પ્રવાહને વધુ રોચક બનાવે છે.
અભિનય ક્ષેત્રે પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ, રસિકા દુગ્ગલ, શ્રિયા પિલગાંવકર, અભિષેક બેનરજી અને શ્વેતા ત્રિપાઠી જેવા કલાકારોએ પોતાના પાત્રોની છાપ યથાવત રાખી છે. નવા કલાકારોમાં રવિ કિશન અને જિતેન્દ્ર કુમારે પોતાની ભૂમિકાથી મજબૂત પ્રભાવ પાડ્યો છે. પંકજ ત્રિપાઠી અને દિવ્યેન્દુના સંવાદો સિનેમાઘરોમાં સીટીઓ વગાડવા મજબૂર કરે તેવા છે. ઈન્ટરવલ અત્યંત રોમાંચક મોડ પર આવતાં હવે બીજા હાફમાં કેવો 'ભૌકાલ' જોવા મળશે તેની આતુરતા વધી ગઈ છે.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
