<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

'ઇન્ડિયન આઇડલ ૧૬' ના ગ્રાન્ડ ફિનાલે પહેલાં ચાહકો માટે મોટા ઝાટકા સમાન સમાચાર: ફિનાલેની રાત્રે જ ગાયબ રહેશે જજ વિશાલ દદલાણી!

૨૬ જુલાઈએ યોજાશે મહા-મુકાબલો: 'યાદોં કી પ્લેલિસ્ટ' થીમ સાથે રંગામેઘ કાર્યક્રમમાં શ્રેયા ઘોષાલ અને બાદશાહ સાથે ઉદિત નારાયણ, કુમાર સાનુ જેવા દિગ્ગજો જમાવશે રંગ

મુંબઈ : સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનનો અત્યંત લોકપ્રિય અને ચર્ચિત સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ સીઝન ૧૬' હવે તેના સૌથી રોમાંચક અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. રવિવાર, ૨૬ જુલાઈ ૨૦૨૬ના રોજ શોનો ધમાકેદાર 'ગ્રાન્ડ ફિનાલે' યોજાવા જઈ રહ્યો છે. મહિનાઓની કઠિન સ્પર્ધા બાદ શોને તેના ટોપ-૬ ફાઇનલિસ્ટ મળી ચૂક્યા છે. જોકે, આ ભવ્ય સાંજ પહેલા જ ફેન્સ માટે એક આશ્ચર્યજનક અને નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે કે શોના મુખ્ય જજ અને જાણીતા સંગીતકાર વિશાલ દદલાણી ગ્રાન્ડ ફિનાલેમાં હાજર નહીં રહે.

સમગ્ર સિઝન દરમિયાન તમામ સ્પર્ધકોનું માર્ગદર્શન કરનાર વિશાલ દદલાણીએ પોતાની પૂર્વ-નિર્ધારિત પ્રતિબદ્ધતાઓને (પ્રિય પ્રોગામ્સ) કારણે ફિનાલેમાં ગેરહાજર રહેવા બદલ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તમામ ૬ ફાઇનલિસ્ટને પોતાની ખાસ શુભકામનાઓ પાઠવી હતી. ભલે વિશાલ દદલાણી આ મહા-મુકાબલાનો હિસ્સો ન બની શકે, પરંતુ શોના નિર્માતાઓએ આ રાતને બ્લોકબસ્ટર બનાવવા માટે કોઈ કસર બાકી રાખી નથી. શોના જજ શ્રેયા ઘોષાલ અને બાદશાહની સાથે સ્ટેજ પર બોલિવૂડની અનેક સુપરસ્ટાર હસ્તીઓ ઉપસ્થિત રહેશે.

ગ્રાન્ડ ફિનાલેની આ ખાસ રાત્રે સંગીત અને મનોરંજનનો તડકો લગાવવા માટે ઉષા ઉથુપ, ઉદિત નારાયણ, પાપોન, કુમાર સાનુ, શહેનાઝ ગિલ અને ઉર્મિલા માતોંડકર જેવા દિગ્ગજો વિશેષ મહેમાન તરીકે હાજરી આપશે. હંમેશની જેમ આદિત્ય નારાયણ પોતાના આગવા અંદાજમાં હોસ્ટિંગ કરતા જોવા મળશે.

આ વખતે 'ઇન્ડિયન આઇડલ ૧૬' ની ચમચમાતી ટ્રોફી અને વિજેતાનો ખિતાબ પોતાના નામે કરવા માટે છ ઉત્કૃષ્ટ ગાયકો – અંશિકા ચોંકર, જ્યોતિર્મયી નાયક, મનરાજ વીર સિંહ, મૈસીમે બાસુ, સુહેલ સુફી અને તનિષ્ક શુક્લા વચ્ચે કાંટાની ટક્કર થશે. ૨૬ જુલાઈની રાત્રે આ છ સૂરમયી પ્રતિભાઓમાંથી કોણ બાજી મારે છે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.

 

(10:12 PM IST)