News of Friday, 17th April 2026
"મેં પર્વત નથી ખાધો, એક બાળકને જન્મ આપ્યો છે": ગર્ભાવસ્થા પછી વજન વધવા પર ટ્રોલ કરનારાઓને પત્રલેખાએ બરાબરની ઝાટકી, સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ
માતૃત્વ અને ફિઝિકલ ફેરફારો પર સવાલ ઉઠાવનારાઓને પત્રલેખાનો જડબાતોડ જવાબ; "મેં નવા જીવનને જન્મ આપ્યો છે, લોકો દયાળુ બને તે જરૂરી", રાજકુમાર રાવની પત્નીની ભાવુક અપીલ

મુંબઈ : સોશિયલ મીડિયાની ચમકધમક પાછળ છુપાયેલી કડવી વાસ્તવિકતા અને સેલિબ્રિટીઝ પરના દબાણનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જાણીતી અભિનેત્રી પત્રલેખાએ તેના ગર્ભાવસ્થા પછીના વજન વધવા (Post-Pregnancy Weight Gain) પર ટિપ્પણી કરનારા ટ્રોલ્સને આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે. પત્રલેખાએ સ્પષ્ટ કર્યું છે કે એક સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે, ત્યારે તેના શરીરમાં થતા ફેરફારો કુદરતી છે અને તેને 'બોડી શેમિંગ'નો વિષય ન બનાવવો જોઈએ.
"મેં નવા જીવનને જન્મ આપ્યો છે"
પત્રલેખાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું, "ઘણા લોકો પૂછી રહ્યા છે કે મારી સાથે શું ખોટું થયું છે? તેમને મારો જવાબ છે કે - મેં હમણાં જ એક બાળકને જન્મ આપ્યો છે. લોકો વિચારે છે કે મેં વધુ પડતું ખાધું છે, પણ સત્ય એ છે કે મેં એક નવા જીવનને પૃથ્વી પર લાવવાનું કામ કર્યું છે." તેણે કટાક્ષ કરતા ઉમેર્યું કે, "મેં કોઈ પર્વત નથી ખાધો, મેં માત્ર માતૃત્વ ધારણ કર્યું છે."
સંઘર્ષ અને કરિયર વચ્ચેનું સંતુલન
પત્રલેખાએ માત્ર માતૃત્વ જ નહીં, પણ તેના વ્યાવસાયિક જીવન વિશે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું કે તે હાલમાં માતૃત્વની જવાબદારી નિભાવવાની સાથે બે ફિલ્મોના નિર્માણ પર પણ કામ કરી રહી છે, જે બિલકુલ સરળ નથી. તેણે લોકોને વિનંતી કરી કે કોઈ પણ સ્ત્રીના શરીર પર ટિપ્પણી કરતા પહેલા તેના સંજોગો અને તે જે સંઘર્ષમાંથી પસાર થઈ રહી છે તેને સમજવાની કોશિશ કરો. "દરેક વ્યક્તિએ થોડું દયાળુ બનવું જોઈએ," તેમ તેણે ભાવુક અપીલ કરતા કહ્યું હતું.
રાજકુમાર રાવ અને પત્રલેખાના ઘરે લક્ષ્મી પધારી
નોંધનીય છે કે પત્રલેખા અને અભિનેતા રાજકુમાર રાવે ગયા વર્ષે 15 નવેમ્બરના રોજ તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું હતું. આ કપલે તેમની પુત્રીનું નામ 'પાર્વતી પોલ રાવ' રાખ્યું છે. માતા બન્યા પછીના આ સુંદર સમયમાં જ્યારે પત્રલેખા પોતાની દીકરીની સંભાળમાં વ્યસ્ત છે, ત્યારે સોશિયલ મીડિયા પર થતી આવી નકારાત્મક ટિપ્પણીઓએ તેને આકરો પ્રતિસાદ આપવા મજબૂર કરી છે.
પત્રલેખાના આ સ્ટેન્ડને બોલિવૂડના અન્ય કલાકારો અને ચાહકો તરફથી મોટો ટેકો મળી રહ્યો છે. માતૃત્વ એ સ્ત્રીના જીવનની સૌથી ગૌરવશાળી ક્ષણ છે અને તેને શારીરિક દેખાવના ચશ્માથી જોનારાઓને પત્રલેખાએ અરીસો બતાવ્યો છે.
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
