News of Monday, 21st September 2026
૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ માટે ગુજરાત સજ્જ: એકતાનગરમાં બોલિવૂડ અને સાઉથના કલાકારોનો જમાવડો, આદિવાસી નૃત્ય સાથે ભવ્ય સ્વાગત
દિલ્હી બહાર પ્રથમ વખત 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના સાનિધ્યમાં યોજાશે સિનેમાનો સૌથી મોટો મહોત્સવ: કાર્તિક આર્યન, મમ્મૂટી અને યામી ગૌતમ સહિતની હસ્તીઓનું વડોદરાથી નર્મદા આગમન

એકતાનગર : ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવા ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (National Film Awards) સમારોહ માટે ગુજરાતનું એકતાનગર તૈયાર થઈ ગયું છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન રાજધાની નવી દિલ્હીની બહાર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના સાનિધ્યમાં યોજાવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે બોલિવૂડ તેમજ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો, દિગ્દર્શકો અને ટેકનિશિયનોનું ગુજરાતમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે.
વડોદરા એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ તમામ ફિલ્મી હસ્તીઓ રોડ માર્ગે એકતાનગર ખાતે પહોંચી હતી. આગમન કરનારા મહાનુભાવોમાં બોલિવૂડ કલાકારો કાર્તિક આર્યન, રણદીપ હુડ્ડા, યામી ગૌતમ, સાઉથના સુપરસ્ટાર મમ્મૂટી, રાજ્યસભાના સાંસદ અને જાણીતા લેખક કે. વી. વિજયેન્દ્ર પ્રસાદ, મ્યુઝિક ડાયરેક્ટર જી. વી. પ્રકાશ અને કોરિયોગ્રાફર કલા માસ્ટરનો સમાવેશ થાય છે. એકતાનગરની હોટલોમાં પહોંચેલા તમામ મહેમાનોનું પરંપરાગત કંકુ તિલક, આરતી, પુષ્પહાર અને સ્થાનિક આદિવાસી નૃત્યના તાલે ભવ્ય અને અત્યંત ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાતના આતિથ્યસતકારની કલાકારોએ કરી મુક્તમને પ્રશંસા
એકતાનગર પહોંચેલા કલાકારોએ ગુજરાતના અદ્ભુત આતિથ્યસતકારની મુક્ત મને પ્રશંસા કરી હતી. તેમણે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડનું આયોજન થવું એ સમગ્ર ભારતીય સિને જગત માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે. હાઇ-પ્રોફાઇલ ફિલ્મી સિતારાઓ અને દેશ-વિદેશના મહેમાનોના આગમનને પગલે નર્મદા જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા એકતાનગર ખાતે ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ ભવ્ય સમારોહથી ગુજરાતના પ્રવાસન (Tourism) અને સ્થાનિક સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ અને વેગ મળશે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
