<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

બોલિવૂડના ૩ સુપરસ્ટાર્સની દોસ્તીએ ડૂબતી ફિલ્મ બચાવી: 90ના દાયકામાં શરૂ થયેલું શૂટિંગ 6 વર્ષે પૂરું થયું, શાહરુખ ખાને ફી લેવાની ના પાડી માત્ર ₹1 માં કર્યું કામ!

માધુરી-સલમાન-શાહરુખની ત્રિપુટીએ 2002 માં 'હમ તુમ્હારે હૈ સનમ' થી બોક્સ ઓફિસ ગજવી: મોડા રિલીઝ થવા છતાં ફિલ્મે મચાવી ધમાલ, નિર્માતાએ એસઆરકેના કર્યા દિલથી વખાણ

મુંબઈ,: બોલિવૂડના ઇતિહાસમાં કેટલીક ફિલ્મો એવી છે જેની મેકિંગની કહાની ફિલ્મની વાર્તા કરતાં પણ વધુ રોમાંચક હોય છે. આવી જ એક ફિલ્મ છે 'હમ તુમ્હારે હૈ સનમ'. વર્ષ 2002 માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં શાહરુખ ખાન, સલમાન ખાન અને માધુરી દીક્ષિત જેવા દિગ્ગજ કલાકારો હતા, પરંતુ આ ફિલ્મને પરદા સુધી પહોંચવામાં જે સંઘર્ષ કરવો પડ્યો હતો તે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
90 ના દાયકામાં મુહૂર્ત અને 6 વર્ષનો લાંબો ઇન્તજાર
આ ફિલ્મની શૂટિંગની શરૂઆત છેક 1997 માં કરવામાં આવી હતી. જોકે, ગીતોના કમ્પોઝર બદલવા, ટાઇટલ નક્કી કરવામાં વિલંબ અને વારંવાર થયેલા ફેરફારોને કારણે ફિલ્મને રિલીઝ થતા પૂરા 6 વર્ષ લાગી ગયા હતા. આટલા લાંબા સમયગાળાને કારણે ફેશન પણ બદલાઈ ગઈ હતી, જેના લીધે રિલીઝ પહેલાં માધુરી દીક્ષિતના લૂક અને હેરસ્ટાઇલમાં પણ અનેક ફેરફારો કરવા પડ્યા હતા. જો ફિલ્મમાં આ ત્રણેય સુપરસ્ટાર્સની મજબૂત દોસ્તી ન હોત, તો કદાચ આ ફિલ્મ ક્યારેય રિલીઝ થઈ શકી ન હોત.
શાહરુખ ખાને ફી તરીકે માત્ર 1 રૂપિયો લીધો!
આ ફિલ્મ સાથે જોડાયેલો સૌથી મોટો કિસ્સો શાહરુખ ખાનનો છે. ફિલ્મમાં કિંગ ખાને એક શંકાશીલ પતિનું પાત્ર ભજવ્યું હતું. નિર્માતા કે.સી. બોકાડિયાએ ખુલાસો કર્યો હતો કે તે સમયે શાહરુખને ફી તરીકે 95 લાખ રૂપિયા આપવાના હતા. પરંતુ શૂટિંગમાં વિલંબને કારણે ફિલ્મનું બજેટ ઘણું વધી ગયું હતું. આ સ્થિતિ જોઈને શાહરુખે ઉદારતા બતાવી હતી અને ફી લેવાની સાફ ના પાડી દીધી હતી. તેણે માત્ર 1 રૂપિયો ટોકન તરીકે લઈને આખી ફિલ્મ પૂરી કરી આપી હતી.
કરણ-અર્જુન પછી ફરી પડદા પર તહેલકો
'કરણ-અર્જુન' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ પછી શાહરુખ અને સલમાનને ફરી એકસાથે જોવા માટે ચાહકો આતુર હતા. 28 મે, 2002 ના રોજ જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ભલે તે થોડી 'આઉટડેટેડ' લાગતી હતી, પરંતુ સ્ટાર પાવરને કારણે તેણે બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. શાહરુખના શંકાશીલ પતિના અભિનય અને સલમાન સાથેની તેની કેમિસ્ટ્રીને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી.
નિર્માતા બોકાડિયાએ આજે પણ યાદ કરતા કહે છે કે શાહરુખ ખાન જેવો સજ્જન અને ટેલેન્ટેડ અભિનેતા મળવો મુશ્કેલ છે. આ કિસ્સો સાબિત કરે છે કે શાહરુખ શા માટે માત્ર પડદા પર જ નહીં, પણ ખરા અર્થમાં પણ 'કિંગ' કહેવાય છે.

(9:46 PM IST)