<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ફિલ્મ 'મિર્ઝાપુર: ધ મૂવી' પર ભારે વિવાદ: 'શૂરવીર' ગીતમાં મહારાણા પ્રતાપ અને ગેંગસ્ટર સંસ્કૃતિની તુલના થતાં ભાજપ નેતા રાજેન્દ્ર રાઠોડનો સેન્સર બોર્ડને આકરો પત્ર; ગીત હટાવવા કરી ઉગ્ર માંગ!

વીર યોદ્ધા મહારાણા પ્રતાપ, ચેતક અને હલ્દીઘાટીના સંદર્ભોને 'ગુડ્ડુ ભૈયા' જેવા ગેંગસ્ટર પાત્રો સાથે જોડવા પર વિરોધ; બાયકોટની ચીમકી વચ્ચે બોક્સ ઓફિસ પર ૧૫૦ કરોડ તરફ આગળ વધતી ફિલ્મ

જયપુર, તા.10: પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ અભિનીત ચર્ચિત ફિલ્મ 'મિર્ઝાપુર: ધ મૂવી' મોટા પડદા પર રિલીઝ થતાં જ એક નવો અને મોટો વિવાદ ઊભો થયો છે. ફિલ્મમાં રાપરિયા બાલમ દ્વારા ગવાયેલા સુપ્રસિદ્ધ ગીત 'શૂરવીર'ના ઉપયોગ સામે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રાજેન્દ્ર રાઠોડે સખત વાંધો ઉઠાવ્યો છે. તેમણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ના અધ્યક્ષ શશી શેખર વેમ્પતીને પત્ર લખીને આ ગીતને ફિલ્મમાંથી તાત્કાલિક અસરથી દૂર કરવાની માંગ કરી છે.

 

મહારાણા પ્રતાપના વારસા અને દેશભક્તિનું અપમાન કરવાનો આરોપ

ભાજપના નેતા રાજેન્દ્ર રાઠોડે પોતાના પત્રમાં લખ્યું છે કે, મૂળ રાજસ્થાની ગાયક-રેપર રાપરિયા બાલમનું આ ગીત વીર યોદ્ધા રાજા મહારાણા પ્રતાપની બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ પ્રત્યેના સમર્પણને શ્રદ્ધાંજલિ આપવા માટે રચાયું હતું. જોકે, ફિલ્મમાં આ પવિત્ર ગીતને ગેંગવોર, હિંસા, અશ્લીલતા અને ક્રૂરતા દર્શાવતા દ્રશ્યોની પૃષ્ઠભૂમિમાં વગાડવામાં આવ્યું છે. મહારાણા પ્રતાપ, તેમના ઘોડા 'ચેતક' અને 'હલ્દીઘાટી' જેવા ઐતિહાસિક સંદર્ભોને 'મુન્ના ત્રિપાઠી' અને 'ગુડ્ડુ ભૈયા' જેવા ગુંડાઓ તથા અપરાધી પાત્રો સાથે જોડવું એ અત્યંત વાંધાજનક અને અક્ષમ્ય અપરાધ છે. તેમણે આને ઇતિહાસ અને દેશના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની સાથે છેડછાડ ગણાવી છે.

 

વિવાદ વચ્ચે પણ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી

આ તમામ વિવાદો અને વિરોધ પ્રદર્શન વચ્ચે પણ 'મિર્ઝાપુર: ધ મૂવી' બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. થિયેટરોમાં રિલીઝ થયાના પ્રથમ અઠવાડિયામાં જ ફિલ્મ રૂ. ૧૫૦ કરોડના આંકડાની અત્યંત નજીક પહોંચી ગઈ છે. હિન્દી વર્ઝને અત્યાર સુધીમાં રૂ. ૧૪૨.૦૫ કરોડ અને તેલુગુ વર્ઝને રૂ. ૧.૧૭ કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે. જોકે, સર્જનાત્મક સ્વતંત્રતાના નામે ઐતિહાસિક વિરાસતને કલંકિત કરવા બદલ દેશભરમાં લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.

(4:29 PM IST)