તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
મનોરંજન જગતમાં હડકંપ: ઓટીટી પરથી હટાવાયા બાદ દિલજીત દોસાંજની ફિલ્મ 'સતલજ' પર કેન્દ્રની મોટી એક્શન, વિવાદિત સામગ્રીની તપાસ માટે હાઈ-લેવલ કમિટી ગઠિત
અસલી નામ 'પંજાબ 95' અને સેન્સરે માંગ્યા હતા ૧૨૭ કટ; રિલીઝના માત્ર ૪૮ કલાકમાં જ ફિલ્મ ગાયબ થતાં ખળભળાટ; 'ભારત વિરોધી શક્તિઓ દુરુપયોગ કરી શકે છે' - સરકારી સૂત્રોનો દાવો

નવી દિલ્હી, તા.૦૭: પંજાબી ગ્લોબલ સ્ટાર અને અભિનેતા દિલજીત દોસાંજની બહુચર્ચિત ફિલ્મ 'સતલજ' (Satluj) ને લઈને ચાલી રહેલો વિવાદ હવે દેશના સર્વોચ્ચ રાજકીય ગલિયારાઓ સુધી પહોંચી ગયો છે. ડિજિટલ પ્લેટફોર્મ ZEE5 પરથી આ ફિલ્મને અચાનક હટાવી દેવાયા બાદ હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) દ્વારા આ ફિલ્મની વિવાદાસ્પદ સામગ્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા પાસાઓની ઝીણવટભરી તપાસ કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય આંતરવિભાગીય સમિતિ (IDC) ની રચના કરવામાં આવી છે. આ સમિતિ સમગ્ર ફિલ્મની સમીક્ષા કરીને ટૂંક સમયમાં કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ અને ભલામણો સુપરત કરશે.
રિલીઝના ૪૮ કલાકમાં જ ફિલ્મ પર લાગી ગઈ બ્રેક
ઉલ્લેખનીય છે કે, ભારે વિવાદો બાદ ગયા શુક્રવારે (૩ જુલાઈ) ના રોજ આ ફિલ્મને ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ તેના માત્ર બે જ દિવસમાં એટલે કે ૪૮ કલાકની અંદર તેને ગુપચુપ રીતે પ્લેટફોર્મ પરથી હટાવી લેવામાં આવી હતી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મની કાળજીપૂર્વક સમીક્ષા કર્યા બાદ જ આ નિર્ણય લેવાયો છે, કારણ કે વહીવટી તંત્રને એવી આશંકા હતી કે ફિલ્મના અમુક સંવેદનશીલ દ્રશ્યો અને સંવાદોનો ઉપયોગ "ભારત વિરોધી શક્તિઓ દેશની છબી ખરડાવવા માટે" કરી શકે છે.
માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરાના જીવનની સળગતી વાર્તા
આ ફિલ્મની વાર્તા પંજાબના જાણીતા માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરાના જીવન પર આધારિત છે, જેમના પાત્રમાં દિલજીત દોસાંજ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. શરૂઆતમાં આ ફિલ્મનું નામ 'પંજાબ ૯૫' (Punjab 95) રાખવામાં આવ્યું હતું. ફિલ્મની વાર્તા ૧૯૯૦ ના દાયકા દરમિયાન પંજાબમાં થયેલા કથિત ન્યાયિક એન્કાઉન્ટર અને બળજબરીથી ગુમ કરી દેવાયેલા લોકોના કેસોનો પર્દાફાશ કરવાના ખાલરાના સળગતા પ્રયાસોની આસપાસ ફરે છે. ૧૯૫૨માં જન્મેલા ખાલરા પહેલા એક સામાન્ય બેંક કર્મચારી હતા, પરંતુ બાદમાં તેમણે ગેરકાયદેસર હત્યાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો.
૩ વર્ષની રાહ અને ૧૨૭ કટની લાંબી લડાઈ
આ ફિલ્મને દર્શકો સુધી પહોંચવા માટે લોઢાના ચણા ચાવવા પડ્યા છે. વર્ષ ૨૦૨૨માં જ્યારે આ ફિલ્મ સેન્સર બોર્ડ (CBFC) ને સુપરત કરવામાં આવી, ત્યારે તે લગભગ ત્રણ વર્ષ સુધી અટવાઈ રહી હતી. નિર્માતાઓનો આરોપ છે કે સેન્સર બોર્ડે ફિલ્મ પાસ કરવા માટે ૧૨૭ જેટલા મોટા કટ (Cuts) ની માંગણી કરી હતી અને તેનું નામ બદલીને 'સતલજ' કરવા દબાણ કર્યું હતું. આખરે થિયેટરને બદલે ડાયરેક્ટ ઓટીટી પર ફિલ્મ રિલીઝ કરાઈ તો ત્યાં પણ વિવાદે કેડો મૂક્યો નથી. બીજી તરફ, ZEE5 પ્લેટફોર્મે આ ફિલ્મને સંપૂર્ણ સર્જનાત્મક સમર્થન જાહેર કરતા કહ્યું છે કે તેઓ યોગ્ય કાનૂની પ્રક્રિયા દ્વારા આ શક્તિશાળી વાર્તાને ફરીથી ઓનલાઈન લાવવાના પ્રયાસો ચાલુ રાખશે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
