<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

દુલ્કર સલમાનની એક્શન થ્રિલર ફિલ્મ આઇ એમ ગેમની બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત, પહેલા દિવસે ભારતમાં પાંચ કરોડ પાંચ લાખ રૂપિયાનું શુદ્ધ કલેક્શન મેળવ્યું

અભિનેતાની અત્યાર સુધીની સૌથી મોટા બજેટવાળી આ ફિલ્મે મલયાલમ બોક્સ ઓફિસ પર યશની ફિલ્મ ટોક્સિકના ઓપનિંગ ડેના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

કોચી: દુલકર સલમાન અભિનીત અને નિર્મિત અત્યાર સુધીની સૌથી મોટા બજેટની મલયાલમ એકશન-થ્રિલર ફિલ્મ 'આઈ એમ ગેમ' (I'm Game) ૩ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. પોતાના નસીબ અને ગાણિતિક સટ્ટાબાજી (બેટીંગ સિસ્ટમ) પર વિશ્વાસ ધરાવતા 'ડેન જોન' નામના જુગારીની વાર્તા ધરાવતી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર મજબૂત શરૂઆત કરી છે.

ટ્રેકિંગ વેબસાઈટ સેકનિલ્ક (Sacnilk) ના આંકડા અનુસાર, ફિલ્મે ભારતમાં પ્રથમ દિવસે ૨,૭૧૪ શોઝમાંથી આશરે રૂ. ૫.૦૫ કરોડનું નેટ અને રૂ. ૫.૯૦ કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે. ઓવરસીઝ (વિદેશી) માર્કેટમાંથી મળેલા રૂ. ૫ કરોડના ગ્રોસ કલેક્શન ઉમેરતાં 'આઈ એમ ગેમ'નું પ્રથમ દિવસનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન અંદાજે રૂ. ૧૦.૯૦ કરોડ પહોંચ્યું છે. ભારતીય ભાષાઓના કલેક્શનમાં મુખ્ય મલયાલમ વર્ઝને રૂ. ૪.૩૦ કરોડ, તેલુગુ વર્ઝને રૂ. ૬૫ લાખ અને હિન્દી વર્ઝને રૂ. ૧૦ લાખનું કલેક્શન આપ્યું છે.

આ સફળ ઓપનિંગ સાથે ફિલ્મે ૨૬ ઓગસ્ટે રિલીઝ થયેલી દક્ષિણ ભારતીય સ્ટાર યશની ફિલ્મ 'ટોક્સિક' ના મલયાલમ ઓપનિંગ ડે કલેક્શન (રૂ. ૧.૩૦ કરોડ) ને ઘણું પાછળ છોડી દીધું છે. આશરે રૂ. ૮૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મને પ્રોફિટેબલ (લાભદાયી) બનાવવા અને રોકાણ વસૂલવા માટે આગામી દિવસોમાં વર્ડ ઓફ માઉથ અને કલેક્શનનો ગ્રાફ ઊંચો જવો જરૂરી રહેશે.

નહાસ હિદાયત દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં દુલકર સલમાન ઉપરાંત એન્ટોની વર્ગીસ, મિશ્કિન, કાયાદુ લોહર, સંયુક્તા વિશ્વનાથન, કથિર, વિનય ફોર્ટ અને પાર્થ તિવારી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. અગાઉ આ ફિલ્મ ૨૦ ઓગસ્ટે ઓનમ તહેવારના સમયે રિલીઝ થવાની હતી, પરંતુ અન્ય ફિલ્મો સાથેની સ્પર્ધા ટાળવા માટે તેની તારીખ પાછી ઠેલીને ૩ સપ્ટેમ્બર કરવામાં આવી હતી.

(12:43 PM IST)