<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

દિલજીત દોસાંઝે ઇન્દોર કોન્સર્ટ રદ થવાની તમામ અવાહ અને ચર્ચાઓને ફગાવીને કહ્યું કે કોઈ ગમે તેટલું બોલે, હું ૧૦૧ ટકા આવી રહ્યો છું

લોકપ્રિય પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ઇન્સ્ટાગ્રામ લાઇવ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષાના કારણોસર તેમનો ઇન્દોર કોન્સર્ટ રદ થયો નથી અને તેઓ આગામી ૧૫ નવેમ્બરે શહેરના સ્ટેજ પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

ઇન્દોર : જાણીતા પંજાબી ગાયક દિલજીત દોસાંઝે તેમના આગામી ઇન્દોર કોન્સર્ટના રદ થવા અંગે ફેલાયેલી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. સુરક્ષાની ચિંતાઓને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે ગાયકે મંગળવારે ઇન્સ્ટાગ્રામ લાઇવ કરીને ચાહકોને ખાતરી આપી હતી કે તેઓ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ૧૫ નવેમ્બરે ઇન્દોરમાં ચોક્કસપણે પર્ફોર્મ કરશે.

લાઇવ સત્ર દરમિયાન દિલજીત અંદાજમાં ન્યૂઝ ચેનલો અને મીડિયા પર કટાક્ષ કરતા જણાવ્યું કે અહેવાલોમાં બિનજરૂરી મસાલો ઉમેરવામાં આવ્યો છે. તેમણે ચાહકોને આશ્વાસન આપતા કહ્યું કે કોઈ ગમે તેટલું બોલે, તેઓ ૧૫ નવેમ્બરે જરૂર આવશે અને ચાહકોએ ફક્ત તેમની વાત પર જ વિશ્વાસ રાખવો જોઈએ. ઇન્દોરની મુલાકાતને લઈને ઉત્સાહ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે શહેરમાં પહોંચીને સૌથી પહેલા તેઓ પ્રખ્યાત પૌંઆ ખાશે અને પછી ભરપૂર ઊર્જા સાથે સ્ટેજ પર ધમાકો કરશે.

દિલજીતના આ આગામી કોન્સર્ટ અંગે ચર્ચાઓ એટલા માટે પણ થઈ રહી છે કારણ કે સ્થાનિક વહીવટીતંત્રે આયોજકોને નિર્દેશ આપ્યો છે કે ડ્રગ્સ, નશાકારક પદાર્થો કે હથિયારોને મહિમામંડિત કરતા ગીતો સ્ટેજ પર ગાવામાં ન આવે. મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લા અધિકારી રજનીશ સિન્હાએ પુષ્ટિ કરી છે કે આ બાબતે આયોજકોને પત્ર લખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે દિલજીતે ગત ૩૦ ઓક્ટોબરે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં હાઉસફુલ શો સાથે તેમના ઓરા ટૂરના ભારતીય ચરણની શાનદાર શરૂઆત કરી હતી. દિલ્હીના સફળ પ્રદર્શન બાદ હવે તેમનો આગામી મોટો સ્ટોપ ૧૫ નવેમ્બરે ઇન્દોર બનવા જઈ રહ્યો છે, જેને લઈને સંગીતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(4:54 PM IST)